રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27નાસામખીયાળી બાયપાસના વિકાસ માટે રાપર અને ભચાઉ તાલુકાના ખેડુતોની સંપાદિત કરવામાં આવનાર ખેડૂતોની જમીનનું બજાર કિંમતના ચાર ગણા વળતર  આપવા કેન્દ્રીયમંત્રીશ્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા અને રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી એ ભારત સરકારના માર્ગ અને પરિવહન કેન્દ્રીયમંત્રી માન.નીતિનભાઈ ગડકરી તથા લોકસભા વિપક્ષ નેતા રાહુલભાઈ ગાંધી તેમજ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભા વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્યુ હતું ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તા. 27-07-2026ના રોજ પ્રસિદ્ધ કરાયેલ જાહેરનોટિફિકેશન મુજબ કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27ના સામખીયાળી બાયપાસના કિ.મી.1.045 થી કિ.મી. 21.445 સુધીના માર્ગના વિકાસ, પહોળીકરણ, પેવ્ડ શોલ્ડર સહિતના કામ માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.                                             આ જાહેરનોટિફિકેશનની અનુસૂચિમાં રાપર તાલુકાના પ્રતાપગઢ, મેવાસા, કુંભારિયા, પેથાપર તથા ભચાઉ તાલુકાના રાજથળી, નારણસરી, શિકારપુર સહિતના વિસ્તારોની મોટી સંખ્યામાં ખાનગી ખેતીની જમીનો સંપાદન હેઠળ આવતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.ઉદાહરણ તરીકે પ્રતાપગઢમાં સર્વે નં. 178, 193, 194, 197, 210, 216, 217, 218, 226, 227, 228, 229, 230, 231, 232, 238 અને 239 જેવી ખાનગી ખેતીની જમીનો દર્શાવવામાં આવી છે.આ જમીન ખેડૂતો માટે માત્ર મિલકત નથી પરંતુ તેમની આજીવિકા, ખેતીનો મુખ્ય આધાર અને વર્ષોથી ચાલતી રોજીરોટી નો સ્ત્રોત છે.હાઇવેના નિર્માણ માટે જમીન સંપાદિત થવાથી ખેડૂતોની ખેતીની જમીન સાથે તેમની આવકનો આધાર પણ કાયમી રીતે અસરગ્રસ્ત થવાનો છે.

       આથી ખેડુતોના હિતાર્થે અમારી માંગણીઓ છે કે: (૧.) રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 માટે જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે    તેમને માત્ર જંત્રીના ભાવથી વળતર ન આપવામાં આવે. (૨) સંપાદિત થનારી જમીનનો વર્તમાન વાસ્તવિક બજારભાવ નક્કી કરવા માટે તાજેતરના વેચાણ દસ્તાવેજો, આસપાસની જમીનના વ્યવહારો તથા પ્રવર્તમાન બજારભાવને આધાર બનાવવામાં આવે. (૩) ખેડૂતોને તેમની સંપાદિત જમીનના વાસ્તવિક બજારભાવના ચાર ગણા દરે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. (૪) જમીન ઉપરના પાક, વૃક્ષો, સિંચાઈની સુવિધા, બોર/કૂવો, વીજ જોડાણ, પાક ઉત્પાદન, ખેતીના સાધનો તથા અન્ય કાયમી/અસ્થાયી માળખાંનું અલગથી યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર ચૂકવવામાં આવે. (૫) જમીનનો માત્ર એક ભાગ સંપાદિત થવાથી બાકીની જમીન ખેતીલાયક ન રહેતી હોય અથવા જમીનનો ઉપયોગ ગંભીર રીતે અસરગ્રસ્ત થતો હોય તો તે અંગે પણ ખેડૂતોને યોગ્ય વધારાનું વળતર આપવામાં આવે.\ (૬) દરેક અસરગ્રસ્ત ખેડૂતને તેની જમીન, સર્વે નંબર, સંપાદિત ક્ષેત્રફળ, નક્કી કરાયેલ બજારભાવ, વળતરની ગણતરી તથા અન્ય લાભોની સંપૂર્ણ વિગતો લેખિતમાં આપવામાં આવે.                           

(૭) વળતર નક્કી કરતા પહેલાં અસરગ્રસ્ત ખેડૂતોની વ્યક્તિગત સુનાવણી રાખી તેમની રજૂઆતો અને વાંધાઓને યોગ્ય રીતે સાંભળવામાં આવે.જાહેરનોટિફિકેશનમાં પણ સક્ષમ અધિકારી સમક્ષ વાંધો રજૂ કરવાની તથા વ્યક્તિગત રીતે અથવા કાનૂની વ્યવસાયી મારફતે સાંભળવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. (૮) જ્યાં સુધી યોગ્ય બજારભાવના આધારે વળતર નક્કી ન થાય ત્યાં સુધી ખેડૂતોની સંમતિ અને વળતર અંગેની પ્રક્રિયાને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવે.

          ખાસ નોંધનીય છે કે જાહેર નોટિફિકેશનની અનુસૂચિમાં સંપાદન માટે દર્શાવેલ કુલ જમીનનું ક્ષેત્રફળ 159.0448 હેક્ટર દર્શાવવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં ખાનગી ખેતીની જમીનો સામેલ છે.

        આથી અસરગ્રસ્ત ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી જંત્રીના ઓછા દરે વળતર નક્કી કરવાને બદલે જમીનના વાસ્તવિક બજારભાવનું યોગ્ય મૂલ્યાંકન કરાવી તેના ચાર ગણા દરે વળતર આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા અને રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી એ ભારત સરકાર સમક્ષ માંગ કરી હતી.