જખૌના દરિયે હવે `સોનાના સૂરજ’ ઉગશે: 15મીથી ભાગ્યની ભરતી

image

કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા અને રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અવલ નંબરનું સ્થાન ધરાવતા જખૌ બંદર પર આગામી 15મી ઓગસ્ટથી દરિયાઈ ખેડૂતો એટલે કે માછીમારોની નવી સીઝનના વિધિવત શ્રીગણેશ થવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સીઝનના પ્રારંભ પૂર્વે જ અત્યારે બંદર પર ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. જામનગર, જામ સલાયા,  પોરબંદર, વેરાવળ અને ઉના સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં માછીમારો અને બોટ માલિકો પોતાની કર્મભૂમિ એવા જખૌ બંદર પર અત્યારથી જ આવી પહોંચ્યા છે. બંદરના કિનારે અત્યારે ક્રેન મારફતે બોટોને દરિયામાં પધરાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે બંદર પર શ્રમિકો અને મશીનરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જખૌ માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદા આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે, 15મી ઓગસ્ટથી માછીમારીની વિધિવત સીઝન શરૂ થશે, જેને પગલે હાલ માછીમારો પોતાની બોટોને દરિયામાં ઉતારવા સહિતની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ બંદર પર માનવ મહેરામણની ચહલપહલ વધતી જશે અને સીઝન જ્યારે પૂરેપૂરી જામશે ત્યારે અહીં 20 થી 22 હજાર જેટલી વસ્તી ઉમટી પડશે અને આખું બંદર સાગરપુત્રોના એક વિશાળ મેળાવડામાં ફેરવાઈ જશે.