**કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

આજરોજ તા. 21/08/2026ના રોજ કલેક્ટરશ્રીની કચેરી, ભુજ ખાતે કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ સંસ્કૃત સપ્તાહની સુચારૂ ઉજવણી માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે.આજની બેઠકમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.1) સંસ્કૃત ગૌરવ યાત્રા :-તા. 25/08/2026ના રોજ જિલ્લા મથક ભુજ ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ સંસ્કૃતપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે.આ ગૌરવ યાત્રામાં સંસ્કૃત સાહિત્યને લગતી વેશભૂષા, વિવિધ કૃતિઓ તેમજ સંસ્કૃત ભાષા આધારિત ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે.જિલ્લા મથક ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનો રૂટ જ્યુબિલી ગ્રાઉન્ડથી બસ સ્ટેન્ડ થઈ હમીરસર તળાવ સુધીનો રહેશે.2) સંસ્કૃત સંભાષણ દિવસ :તા. 27/08/2026ના રોજ સંસ્કૃત ભાષાનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને જનમાનસમાં સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુસર સંસ્કૃત ભાષામાં જ શુભેચ્છા સંદેશાઓની આપ-લે કરવામાં આવશે.આ અંતર્ગત શાળા, મહાશાળાઓ, યુનિવર્સિટી તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવશે.3) સંસ્કૃત સાહિત્ય દિવસ :-તા. 29/08/2026ના રોજ પ્રાચીન દેવભાષા સંસ્કૃતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યથી જાહેર જનતા પરિચિત થાય તે હેતુસર કચ્છ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રાચીન ગ્રંથોની ખરીદી પણ વ્યાજબી ભાવે કરી શકાશે.વધુમાં, આ વર્ષે જિલ્લા મથક ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત પ્રાંત અધિકારીશ્રીની નેજા હેઠળ તાલુકા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે. આજની બેઠકમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા તેમજ તેમની ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.આજની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રીના પ્રતિનિધિ તરીકે નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, સમિતિ ઉપાધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન,સમિતિના સભ્ય સચિવ અને જીલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર,ભુજ પ્રાંત અધિકારી શ્રી જાદવ સાહેબ,સમિતિના અન્ય અધિકારીશ્રીઓ તથા સભ્યશ્રીઓ તેમજ તાલુકા કક્ષાએથી તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તેમની ટીમ જોડાઈ હતી. બેઠકમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના વિવિધ કાર્યક્રમો સુચારૂ રીતે યોજાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી શ્રી જી.જી.નાકર,શ્રી એસ.એસ.ભાટી અને ટીમ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું