અંડર-17 ટેબલ ટેનિસમાં વિવાને વર્ચસ્વ જમાવી ટાઇટલ જીત્યું

Vivaan Dave_1stNRTTC26_Kanpur

કાનપુર ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત સ્પોર્ટ્સ હબ ખાતે યોજાયેલી યુટીટી (UTT) નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં અંડર-17 બોયઝ અને ગર્લ્સની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. આ મેચોમાં તીવ્ર, ચપળ રેલીઓ અને ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. જેણે આ ફાઇનલને રસપ્રદ અને નિહાળવા લાયક બનાવી દીધી હતી. બંને ટાઇટલ મુકાબલામાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં ખેલાડીઓએ લાંબી શારીરિક લડતમાં ઉતરવાને બદલે ઝડપી એક્સચેન્જ, સ્માર્ટ પ્લેસમેન્ટ અને શોટ્સની ગતિમાં સમયસર ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

યૂથ અંડર-17 બોયઝની ફાઇનલમાં ગુજરાતના વિવાન દવેએ કર્ણાટકના અથર્વ નવરંગેને પાંચ ગેમ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવ્યો હતો. નવરંગેએ પ્રથમ ગેમ જીતીને સારી શરૂઆત કરી હતી પરંતુ વિવાને ઝડપથી પોતાની લય શોધી લીધી હતી અને બે સંઘર્ષપૂર્ણ ગેમ જીતીને સરસાઈ મેળવી લીધી હતી. કર્ણાટકના આ પેડલરે હાર ન માનતા ચોથી ગેમ 11-9થી જીતીને સ્કોર 2-2થી સરભર કરી દીધો હતો અને મેચને નિર્ણાયક ગેમ સુધી પહોંચાડી દીધી હતી.

જોકે, આખરી અને નિર્ણાયક ગેમ સંપૂર્ણપણે વિવાનના નામે રહી હતી. તેણે રેલીઓને ટૂંકી અને લક્ષ્ય તરફી રાખી હતી, બોલને વહેલો કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ધીમે ધીમે નવરંગ પર પકડ મજબૂત કરી હતી. ભારે દબાણ વચ્ચે પણ ગુજરાતના આ ખેલાડીએ પોતાની શાંતિ જાળવી રાખી હતી અને આ ઉત્સાહજનક લડત  બાદ નિર્ણાયક ગેમ 11-4થી જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

અંડર-17 સ્પર્ધાની ફાઇનલ મેચ આ ટુર્નામેન્ટ માટે એક યોગ્ય સમાપન સાબિત થઈ હતી. જેમાં સ્માર્ટ શૉટ-મેકિંગ, ઝડપી રેલી અને નિર્ણાયક પોઈન્ટ્સનું દબાણ જોવા મળ્યું હતું. બંને ચેમ્પિયન્ નજીકની મેચને ટાઇટલમાં બદલવા માટે જરૂરી એવી માનસિક મજબૂતાઈ અને સંયમ દર્શાવ્યો હતો.

બોયઝ સેમિફાઇનલમાં વિવાને તામિલનાડુના વિશ્રુત રામકૃષ્ણનને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બંને મેચમાં વિવાને નિર્ણાયક તબક્કામાં વિશ્રુત સામે અદભૂત નિયંત્રણ દર્શાવ્યું હતું.

તે અગાઉ  વિવાને ક્વાર્ટર ફાઇનલમાં કઠીન સંઘર્ષ બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિવાને તામિલનાડુના એમ. અશ્વજિતને હરાવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી, તેણે પ્રથમ ગેમ 14-12થી અને બીજી ગેમ 11-9થી જીત્યા બાદ આ મેચ 3-0થી પોતાના નામે કરી હતી.