દરિયામાં હાહાકાર: 22 ભારતીય નાવિકો સાથે 2 જહાજો હાઇજેક!

image

યમન અને સોમાલિયાના તટ પાસે અલગ અલગ બે ઘટનામાં 22 ભારતીય નાગરિકો સાથેના બે કોમર્શિયલ જહાજ સમુદ્રી ચાંચિયાએ હાઈજેક કરી લીધાના અહેવાલ સામે આવ્યા છે. અધિકારીઓ અનુસાર આ ઘટનાઓએ હોર્ન ઓફ આફ્રિકા આસપાસના સમુદ્રી વિસ્તારમાં ફરી એક વખત સમુદ્રી લૂંટના જોખમને ઉજાગર કર્યું છે. શુક્રવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બનાવની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, હાઈજેક થયેલા બન્ને જહાજ વિદેશી ધ્વજ હેઠળના છે. જયસ્વાલે સ્પષ્ટ કરતા હતું કે, બન્ને જહાજમાં 22 ભારતીય નાગરિક સવાર છે. વિદેશ મંત્રાલય મુજબ હાઈજેક કરવામાં આવેલા બન્ને જહાજ ઉપરના 22 ભારતીય નાવિક સુરક્ષિત છે. જેની સુરક્ષા અને હિત સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે. પહેલી ઘટનામાં ઈરિટ્રિયાના ઝંડાના ઓઈલ પ્રોડક્ટસ ટેંકર એમટી સિબુ-1 સમુદ્રી લુટારુઓએ કબજે કર્યું હતું. જહાજ ઉપર કુલ 20 ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાંથી 16 ભારતીય નાગરિક હતા. જહાજને એડનની ખાડીમાં છ હથિયારધચારી સમુદ્રી લુટારુઓએ હાઈજેક કર્યું હતું. સમુદ્રી પ્રશાસન નિદેશાલયના રિપોર્ટ અનુસાર જહાજના તમામ 20 ક્રૂ સુરક્ષિત હોવાની સૂચના છે. બીજી ઘટનામાં સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક એમવી લુટુફ નામના કેમરુન ફલેગ ધરાવતા કાર્ગો જહાજને સમુદ્રી ચાંચિયાઓએ કબજામાં લીધું હતું. આ બનાવ સોમવારે બન્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જહાજ ઉપર 10 સભ્યો સવાર હતા. જેમાં 6 ભારતીય નાગરિક સામેલ છે. સોમાલી અધિકારી અનુસાર જહાજ મોગાદિશુમાં તુર્કીના એક સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર માટે હથિયારો લઈને જઈ રહ્યું હતું. આ ઉપરાંત જહાજમાં સંચાર અને સેટેલાઈટ ઉપકરણ પણ સામેલ હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, 8 સમુદ્રી લુટારુઓએ જહાજને જર્માલ તરફ વાળી લીધું હતું.