નંદાસરમાં જાગરણમાં જવાનું કહેતાં પત્ની પર ધારિયાથી હુમલો
રાપરના નંદાસરમાં દશામાના વ્રતનાં જાગરણમાં જવા અંગે ઉશ્કેરાઇ જઇ એક શખ્સે પોતાની પત્ની ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો, જેમાં મહિલાને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.આ અંગે મળતી માહિતી મુજબ નંદાસરમાં વાડી વિસ્તારમાં રહેનારા ફરિયાદી તેમના માતા, પતિ ઘરે હતા, ત્યારે ફરિયાદીના પિતા, ભાઇ, ભાભી ફરિયાદી મહિલાના બનેવીને ત્યાં દશામાના વ્રતનાં જાગરણમાં જતાં ફરિયાદી મહિલાએ પણ ત્યાં જવાની પોતાના પતિને વાત કરતાં તેણે ત્યાં જવાની ના પડી હતી. બાદમાં બંને વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે ધારિયું ઉપાડી પોતાની પત્ની ઉપર હુમલો કર્યો હતો,જેમાં આ મહિલાને માથા, પીઠ, આંગળીઓમાં ઇજાઓ પહોંચી હતી. રાડારાડ બાદ આ શખ્સ ધમકી આપી ત્યાંથી નાસી ગયો હતો. ઘવાયેલી મહિલાને પ્રથમ રાપર બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું તથા ડાબા હાથની આંગળી ઓપરેશન કરી કાઢી લીધી હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે રાપર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.