જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન AIS તથા શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યું

અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓના સઘન પેટ્રાલિંગ દરમિયાન ફરી એકવાર શંકાસ્પદ હાલતમાં ટેકનિકલ ઉપકરણો મળી આવ્યાં છે. પોલીસ, એલઆઈબી અને એસઓજીની સંયુક્ત ટીમ જ્યારે દરિયાઈપટ્ટી પર નિરીક્ષણ કરી રહી હતી, તેવામાં તેમને કાંઠા પરથી બિનવારસી હાલતમાં એક એઆઈએસ એટલે કે ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ અને એક ઓક્સિજન સિલિન્ડરની કિટ મળી આવી હતી. પોલીસ સ્ટાફના જોરૂભા જાડેજા અને પુનશીભાઈ મહેશ્વરી, જખૌ પોલીસ સહિતની ટીમે પેટ્રાલિંગ દરમિયાન આ સાધનો જોતાં જ તેને તપાસ અર્થે કબજે લીધાં હતાં. મળી આવેલું ગોળાકાર એઆઈએસ ઉપકરણ મોટાં માલવાહક જહાજો અને આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી ફાશિંગ ટ્રોલર બોટોમાં ઉપયોગમાં લેવાય છે. આ સાધનની મદદથી દરિયામાં પાણીની ઊંડાઈ માપવા, માછીમારી માટે માછલીઓનો જથ્થો ક્યાં છે તે જાણવા તેમજ દરિયામાં કોઈ વસ્તુ પડી હોય, તો તેનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, સ્થળ પરથી કેસરી રંગનું એક બોક્સ પણ મળી આવ્યું છે, જેમાં ઓક્સિજન સિલિન્ડરની કિટ છે. આ કિટનો ઉપયોગ દરિયાઈ જહાજોમાં કટોકટીના સમયે ક્રૂ મેમ્બર્સના જીવ બચાવવા માટે કરવામાં આવતો હોય છે, જેમાં નાના બાટલા સાથે માસ્ક જોડાયેલું હોય છે, જે શ્વાસ લેવામાં તકલીફ પડે, ત્યારે રક્ષણ આપે છે. પિંગલેશ્વરના દરિયામાં ભરતી આવવાને કારણે આ સાધનો મોજાં સાથે તણાઈને કાંઠે આવી ગયા હોવાનું મનાય છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓએ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.