ભારતના સ્પેસ મિશન અમેરિકાથી ચાર ગણા મોંઘા !
23 ઓગસ્ટના ભારત ત્રીજો નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યું હતું ત્યારે યુરોપની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓની યાદીમાં ઈસરોને લઈને ચોંકાવનારા દાવા કરાયા હતા. જેમાં ભારતનું સ્પેસ મિશન દુનિયામાં સૌથી સસ્તું હોવાના દાવા ઉપર સવાલ ઉઠાવાયા હતા.મળતી માહિતી મુજબ કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ ભારતની પ્રતિ કિલોગ્રામ સેટેલાઇટ લોન્ચિંગની પડતર અમેરિકાની તુલનાએ ચાર ગણી વધારે છે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ભારતના સેટેલાઇટ લોન્ચિંગનો ખર્ચ સ્પેસ મિશન કરતા દેશોમાં સૌથી વધારે છે. જો કે ઈસરો દ્વારા આ દાવાને નકારવામાં આવ્યો છે અને રિસર્ચમાં ખોટા આંકડાને આધાર બનાવાયા હોવાનું માનવામાં આવ્યું છે. રિસર્ચ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાત્રી અલેસિયો ટર્જી અને ઈટાલીની સૌથી જૂની ટોરિનો ટેકનિકલ વિશ્વવિદ્યાલયના ફ્રાન્સેસ્કો નિકોલી દ્વારા કરવામાં આવ્યું હતું અને રિસર્ચ પેપરમાં 1960થી 2025 વચ્ચે થયેલા 6740થી વધારે રોકેટ લોન્ચિંગના ડેટાબેઝને આધાર બનાવાયો હતો. રિસર્ચ અનુસાર 2025માં પૃથ્વીની નિચલી કક્ષામાં એક કિલો પેલોડ પહોંચાડવાની ભારતની સરેરાશ પડતર 13,302 ડોલર પ્રતિકિલો રહી છે. જે અંતરીક્ષ શક્તિ સંપન્ન તમામ પ્રમુખ દેશમાં સૌથી વધારે છે. અમેરિકામાં પ્રતિ કિલો પડતર 3225 ડોલર છે. કેમ્બ્રિજ અને ટોરિનોના શોધકર્તાઓ અનુસાર જો લોન્ચિંગની પડતરને પ્રતિ કિલોગ્રામ આંકવામાં આવે તો ભારત સૌથી મોંઘી લોન્ચિંગ સેવા આપે છે. 2025માં સેટેલાઇટ લોન્ચિંગની આંતરરાષ્ટ્રીય પડતર 3868 ડોલર પ્રતિકિલો વધારે હતી. જો કે એક બાબતો સ્વીકાર કર્યો હતો કે ભારત અંગે પહેલી દૃષ્ટિએ દાવા ચોંકાવનારા લાગી શકે છે કારણ કે ભારતના લોન્ચ વ્હીકલની પેલોડ ક્ષમતા ઓછી છે. આ દાવાને ઈસરો દ્વારા ફગાવવામાં આવ્યો હતો. ઈસરોના અધ્યક્ષ ડો.વી. નારાયણને જણાવ્યું હતું કે, રિસર્ચમાં ખોટા આંકડાનો ઉપયોગ થયો છે. જો કે વધુ વિસ્તારથી માહિતી આપી નહોતી. બીજી તરફ પૂર્વ ઈસરો અધ્યક્ષ ડો. એસ સોમનાથે અભ્યાસની વ્યાખ્યા ઉપર સવાલ ઉઠાવ્યો હતો. તેમના અનુસાર પ્રતિ કિલો પડતરના આધારે તુલના કરવી યોગ્ય નથી.