પાકિસ્તાનના નવા પેંતરાથી કચ્છ સરહદ પર મંડરાયો ખતરો
ઓપરેશન સિંદૂરમાં પછડાટ ખાઈ ચૂકેલું પાકિસ્તાન હવે કચ્છ સીમાએ નાપાક કારનામા કરી રહ્યું છે. થોડા સમય પહેલાં સિરક્રીક સીમાએ પ્રોજેક્ટ અવાબીલનાં નામે ચીન-તુર્કીની મદદથી શત્રો અને સૈન્યની તૈનાતી હવે પાક કચ્છની સામે પાર માછીમારી માટેનાં કેટી બંદરમાં ચીનની મદદથી ડિપ વોટર પોર્ટ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે. ચાઈના હાર્બર એન્જિનીયરિંગ કંપની આ બંદર માટે 522 મિલિયન ડોલરનાં રોકાણની જાહેરાત કરી ચૂકી છે. કચ્છ સીમાથી માત્ર 80 કિલોમીટર નવું બંદર વિકસાવવાની હિલચાલ ભારત માટે ચિંતાજનક બની છે. અહીં ઈન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવાની પણ તૈયારી છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પ્રસ્તાવિત કેટી બંદરના વિકાસ માટે એક સંકલિત માસ્ટર પ્લાનની હાકલ કરી છે. તેમણે બંદરની સાથે માળખાંગત સુવિધાઓને ટેકો આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિએ ચાઈના હાર્બર એન્જિનીયરિંગ કંપની (CHEC)ના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે ચીની નિષ્ણાતો અને પાકિસ્તાની અધિકારીઓને ગાઢ તકનીકી સહયોગ જાળવવા વિનંતી કરી હતી. ઝરદારીએ કહ્યું હતું કે, પ્રસ્તાવિત બંદરને વિશ્વસનીય રોડ કનેકશન, સ્થિર વીજળી અને પાણી પુરવઠાની જરૂર છે. તેમણે સુવિધાઓ આસપાસ આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા માટે સમર્પિત ઔદ્યોગિક ઝોનની પણ હાકલ કરી. વધુમાં રાષ્ટ્રપતિએ કેટી બંદરને પાકિસ્તાન માટે સંભવિત ગૌણ દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે વર્ણવ્યું. આ બંદર રાષ્ટ્રીય વેપારને મજબૂત બનાવી શકે છે અને લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીમાં સુધારો કરી શકે છે.