કચ્છના નખત્રાણા ના ટોડિયા ગામે કુતરાઓએ મચાવ્યો આતંક: વાડામાં પૂરેલા 50 ઘેટા-બકરાનાં કરૂણ મોત

કચ્છ જિલ્લાના નખતરાણા તાલુકાના ટોડિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પશુપાલક મુબારક ઈસા પિંજારા પોતાના ઘરથી બહાર દવા લેવા માટે ગયા હતા, તે જ દરમિયાન તેમના પશુવાડામાં અચાનક શ્વાનોએ (કુતરાઓએ) ઘૂસીને ભારે આતંક મચાવ્યો હતો.
માલિક ગેરહાજર હોવાનો લાભ ઉઠાવીને શ્વાનોએ વાડામાં બાંધેલા મૂગા પશુઓ પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલામાં અંદાજે ૫૦ જેટલા ઘેટા અને બકરાનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે પશુપાલક દવા લઈને પરત આવ્યા ત્યારે તેમણે પોતાના વાડામાં લોહીલુહાણ હાલતમાં ઢોરઢાંખર મૃત પડેલા જોયા હતા, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
એકસાથે આટલી મોટી સંખ્યામાં મૂગા જીવોના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં રોષની સાથે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે, અને તંત્ર દ્વારા આ ગરીબ પશુપાલકને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે