શાળા આરોગ્ય કાર્યક્રમના ૪D સ્ક્રીનીંગથી જન્મજાત હૃદયની ખામીની ઓળખ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળ ઓપરેશન

4

શાળા આરોગ્ય કાર્યક્રમ ફક્ત સામાન્ય તપાસ પૂરતો નથી, પરંતુ ગંભીર અને જન્મજાત બીમારીઓને પણ સમયસર ઓળખીને બાળકને નવું જીવન આપી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ ભચાઉ તાલુકામાં જોવા મળ્યું છે. શાળામાં થયેલા સમયસર 4D Screening ના કારણે નવી ભચાઉની 6 વર્ષની બાળકીનું જીવન બચાવી શકાયું છે.

        નવી ભચાઉ વિસ્તારમાં રહેતી અને પરમશાંતિ શાળામાં અભ્યાસ કરતી ૬ વર્ષની અમૈરા દિનેશભાઈ પટેલની RBSK ટીમ દ્વારા શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન RBSK ટીમને બાળકીમાં જન્મજાત હૃદયની ખામી – Congenital Heart Disease CHD ની શંકા જણાઈ હતી. ટીમે તાત્કાલિક બાળકીને વધુ તપાસ અને નિષ્ણાંત સારવાર માટે રીફર કરી હતી.

        RBSK ટીમે બાળકીના વાલીને તેની સ્થિતિ અંગે સંપૂર્ણ સમજણ આપી અને સરકારશ્રી દ્વારા ગંભીર બીમારીઓ માટે મળતા વિવિધ આરોગ્યલક્ષી લાભો અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાળકીને સમયસર સારવાર મળે તે માટે જરૂરી રેફરલ અને સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી CDHO ડૉ. મિતેષ ભંડેરી , RCHO તથા THO ભચાઉ ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં RBSK ટીમ ભચાઉના ડૉ. નિરાલીબા ઝાલા, ડૉ. તેજસ વ્યાસ તથા FHW મીનલબેન મહત્વની ભૂમિકા ભજવી હતી.

        ટીમના સંકલિત પ્રયાસથી સરકારશ્રીના સંદર્ભ કાર્ડ / આરોગ્યલક્ષી યોજના હેઠળ બાળકીને નિઃશુલ્ક સારવારનો લાભ મળતા તા.૨૦ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે અમૈરાનું હૃદયનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ પણ RBSK ટીમ દ્વારા બાળકીના ઘરે જઈને પોસ્ટ-ઓપરેટિવ મુલાકાત લઇને  તબિયતની માહિતી મેળવી અને વાલીને ઓપરેશન પછી રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલ અમૈરા સંપૂર્ણ સ્વસ્થ છે અને તેની તબિયતમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.

“સમયસર તપાસ – વહેલી ઓળખ – યોગ્ય સારવાર – સ્વસ્થ બાળક”