કચ્છથી જમ્મુ-કાશ્મીર સુધી રાષ્ટ્ર રક્ષાનો રક્ષાસૂત્ર

રાષ્ટ્ર રક્ષા સૂત્ર યાત્રા અંતર્ગત કચ્છથી જમ્મુ-કાશ્મીર સુધી દેશની સરહદોનું રક્ષણ કરતા આપણા વીર જવાનો પ્રત્યે પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પવિત્ર સંકલ્પને સમગ્ર કચ્છે એક થઈને સાકાર કર્યો છે.
સમગ્ર કચ્છના પરિવારો, બહેનો, દીકરીઓ અને વિવિધ સંસ્થાઓના હૃદયપૂર્વકના સહયોગથી 51,100થી વધુ રક્ષાસૂત્રો (રાખડીઓ) એકત્રિત કરવામાં આવ્યા છે. આ રાખડીઓ કચ્છની ધરતી પરથી જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવતા આપણા વીર જવાનોને રક્ષાબંધનના પવિત્ર પર્વે અર્પણ કરવામાં આવશે.
આ પવિત્ર અભિયાનમાં અંજાર, કચ્છની દીકરી કેડેટ પવિત્રા જેઠવા દ્વારા લીધેલા સંકલ્પને સમગ્ર કચ્છે પોતાનો સંકલ્પ માનીને અભૂતપૂર્વ સહયોગ આપ્યો છે.
રક્ષાબંધનના પવિત્ર દિવસે ગૌરવપૂર્ણ ક્ષણ
આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે કેડેટ પવિત્રા જેઠવાએ નવી દિલ્હીમાં ભારતના માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી સાથે મુલાકાત કરી અને તેમને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી તથા તેમનું આશીર્વાદ પ્રાપ્ત કર્યું.
આ પ્રસંગે કેડેટ પવિત્રાએ સમગ્ર કચ્છ તરફથી એકત્રિત કરવામાં આવેલી 51,100થી વધુ રાખડીઓના પવિત્ર યોગદાનની સંપૂર્ણ વિગતો માનનીય રક્ષા મંત્રીશ્રીને સ્વયં રજૂ કરી અને આ રાખડીઓ દેશની રક્ષા કરતા આપણા વીર જવાનો સુધી કચ્છથી જમ્મુ-કાશ્મીર પહોંચાડવામાં આવી રહી હોવાની માહિતી આપી.
આ ક્ષણ માત્ર અંજાર કે કચ્છ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.
કચ્છની એક દીકરીએ સંકલ્પ લીધો,
સમગ્ર કચ્છે સંકલ્પને પોતાનો બનાવ્યો,
અને હવે કચ્છનો પ્રેમ સરહદ પર ઊભેલા વીર જવાનો સુધી પહોંચશે. 🇮🇳❤️
આ સમગ્ર યાત્રા એ સંદેશ આપે છે કે દેશની સુરક્ષા માટે દિવસ-રાત સરહદ પર તૈનાત આપણા જવાનો એકલા નથી. દેશના દરેક પરિવારનો પ્રેમ અને આશીર્વાદ તેમની સાથે છે.
આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર કચ્છના દરેક પરિવાર, બહેન, દીકરી, યુવા, સંસ્થા અને તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.