યુક્રેન પર રૂસી હુમલામાં 37 લોકોના મોત
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પાસે એક હથિયાર ડેપો પર હુમલો કર્યો હતો, જેમાં કમસેકમ 37 લોકોનાં મોત નિપજ્યાં હતાં, તો 130 ઘરોને નુકસાન થયું હતું. રૂસી હુમલા બાદ ઘરોની વચ્ચે છુપાઈને ઊભા કરાયેલા હથિયાર ડેપોમાં રાખેલા વિસ્ફોટકો, સુરંગો અને ડ્રોન ફાટવા લાગ્યા હતા. ધડાકા એટલા શક્તિશાળી હતા કે આસપાસનાં ઘરો અને ઈમારતોને મોટું નુકસાન પહોંચ્યું હતું. લોકોમાં ભારે ભય સાથે ભાગદોડ મચી હતી. લોહિયાળ હુમલામાં ચાર બાળક સહિત 42 લોકો ઘાયલ થયા હતા. બચાવ રાહત અભિયાન છેડાયું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, હથિયારોના આ ભંડાર રહેણાક વિસ્તારોની આટલી નજીક રાખવો યોગ્ય ન હતો. રૂસી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રૂસી સેનાએ કીવની પશ્ચિમે સ્થિત મિલા ગામના એક હથિયાર ડેપોને નિશાન બનાવ્યો હતો. ખતરનાક વિસ્ફોટથી 130 ઘરો તબાહ થઈ જતાં છત ખોઈને બેઘર બનેલા લોકોએ જાણે જીવનનું સર્વસ્વ ગુમાવી દીધું હતું.