ભારત બન્યું રૂસનું સંકટમોચક

 ભારત અને રશિયા દાયકાઓથી મિત્ર દેશ છે. રશિયા વર્તમાન સંજોગોમાં પણ ભારત માટે સૌથી મોટો ક્રૂડ ઓઇલ આપૂર્તિકાર દેશ છે. આ દરમિયાન ભારતે રશિયાનાં ઇંધણ સપ્લાયમાં મોટી મદદ પણ કરી છે. શિપ ટ્રેકિંગના આંકડાઓમાં જાણવા મળ્યું છે કે, યુક્રેનના ડ્રોન હુમલાનાં કારણે રશિયાની રિફાઇનરીઓમાં કામગીરી ખોરવાતા ભારત રશિયા માટે ગેસોલીનનો એક પ્રમુખ સપ્લાયર દેશ બનીને ઉપસી આવ્યો છે. રશિયાની રિફાઇનરીઓ ઉપર વારંવાર હુમલાનાં કારણે ઘરેલું ઇંધણ ઉત્પાદન પ્રભાવિત થતાં ઓગસ્ટમાં સમુદ્રી માર્ગેથી રશિયાની ગેસોલીન આયાત વધીને આશરે 1,25,000 બેરલ પ્રતિદિન ઉપર પહોંચી ગઈ હતી. જે મહિના માટે અનુમાનિત 4,70,000 ટન બરાબર છે. ભારતીય રિફાઇનરીઓએ છેલ્લા બે માસમાં રશિયાને આશરે 10 લાખ બેરલ ગેસોલીનનો પુરવઠો પૂરો પાડયો હતો. આ સપ્લાય મુખ્ય રૂપે ગુજરાતની વાડિનાર સ્થિત નયારા રિફાઇનરીમાંથી કરવામાં આવી હતી. મધ્યપૂર્વમાં યુદ્ધનાં કારણે અન્ય સ્રોતોમાંથી પુરવઠો ખોરવાતા ભારતે રશિયા પાસેથી ઓઇલની આયાતને વિક્રમી સ્તરે વધારી દીધી છે. જૂન-જુલાઈમાં ભારતે રોજ 26 લાખ બેરલથી વધુ રશિયાનું ઓઇલ આયાત કર્યું હતું. બીજીબાજુ યુક્રેન યુદ્ધનાં કારણે ક્રૂડ ઓઇલના નિકાસકાર દેશ રશિયાને હવે ગેસોલીનની આયાત કરવી પડી રહી છે. ઓગસ્ટમાં ભારત, તુર્કી અને મોરક્કોથી રશિયાએ ગેસોલીનની આયાત કરવી પડી છે.