ગાંધીધામમાંથી ખાદ્યપદાર્થોના 11 નમૂના પૃથક્કરણ લેબોરેટરીમાં મુકાયા

 ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોના 11 નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં જ હોટલ અને રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી અને તેમાં 100  કિલો લોટ તેમજ શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમિત ખાદ્યપદાર્થોના એકમોની તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે ધ્યાને રાખી ફૂડ વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાદ્યપદાર્થના વિક્રેતાઓ પાસેથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા છે, જેમાં ચીલી બિન, પેટ્ટી રાઈસ બાઉલ, ચીઝી પનીર ટીક્કા, દાલ તડકા, પનીર ટીક્કા મસાલા, પનીર ફ્રેન્કી રોલ, કાજુ કતરી, સેકેલા પેડા, ફરાળી ચેવડો, અંગૂર રબડી, ફ્રૂટ અને નટ ચોકલેટ, તીખા ફરાળી ચેવડાના નમૂનાઓ લઈ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મુકાયા છે. ગાંધીધામ મહાનગરપાલિકાનો  188 કિલોમીટરનો વિસ્તાર છે, તેમાં બે શહેર અને 11 ગામડાનો સમાવેશ થયેલો છે અને અહીં વિશાળ વિસ્તારમાં ખાદ્યપદાર્થોની અસંખ્ય દુકાનો તથા હોટલો તેમજ રેસ્ટોરન્ટો, લારીઓ સહિતના એકમો છે. હજારો લોકો નિયમિત આ એકમોમાં ખોરાક આરોગે છે. ખાદ્યપદાર્થના એકમોમાં સ્વચ્છતા જળવાતી નથી તેવી ફરિયાદો છે. આ ઉપરાંત ભેળસેળની પણ રાવ ઊઠી છે. ફોટો વિભાગ દ્વારા તપાસ તો થાય છે, પરંતુ સ્ટાફઘટના કારણે નિયમિત તપાસ અને કાર્યવાહી થતી નથી. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ફૂડ વિભાગમાં સ્ટાફની ભરતી કરવામાં આવે તો જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે તેમની સામે કાર્યવાહી થઈ શકે તેમ છે.