બાલાસરમાં 1.95 લાખના માદક પદાર્થો સાથે શખ્સની અટકાયત

image

રાપર તાલુકાના છેવાડાના એવા બાલાસર ખીમાણીવાસમાં એક મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી રૂા.1,95,790નો માદક પદાર્થ સાથે શખ્સને ઝડપ્યો હતો. તેમજ એક શખ્સનું નામ બહાર આવ્યું હતું. બાલાસરના ખીમાણીવાસમાં રહેનાર તથા તેનો ભાઈ એવા શખ્સો માદક પદાર્થ પોષડેડા, અફીણ વેંચાતા હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. કાના રજપૂતના કબ્જાના મકાનમાં પહોંચી પોલીસે તેને સાથે રાખી ઘરની તલાશી લીધી હતી. ઘરમાં નીચે પડેલી ટ્રન્ક (પેટી)માં મળેલા બાચકામાંથી માદક પદાર્થો મળી આવ્યા હતા. આ પદાર્થો પૈકી ચીકાશ પડતો કથ્થાઈ રંગનો પદાર્થ અફીણ તથા સુકાયેલા ડોડા પોષડેડા હોવાનું આ શખ્સે કહ્યું હતું. પોલીસે એફએસએલ અધિકારી પાસેથી ખરાઈ કરાવતા આ પદાર્થો અફિણ અને પોષડેડા જ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સના કબ્જામાંથી રૂા.1,73,500નું 374 ગ્રામ અફિણ તથા રૂા.22,290ના 1 કિલો 486 ગ્રામ પોષડેડા એમ કુલ રૂા.1,95,790નો માદક પદાર્થ તથા વજનકાંટો વગેરે જપ્ત કરાયું હતું. આ નશિલા પદાર્થો એક ઈસમ પાસેથી ખરીદીને લાવ્યો હતો અને તેજ ગ્રાહકોને વેંચતો હોવાનું પણ બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.