ગાંધીધામ મહાનગરપાલિકાને રૂા.૨૮૬ કરોડના વિકાસ કામોની ભેટ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિકાસ કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
– નાગરિકોની સુખાકારી ગુજરાત સરકારની પ્રથમ પ્રાથમિકતા છે
– વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુણવત્તાયુક્ત વિકાસકામો સાથે નાગરિકોની સહભાગીતા મહત્વપૂર્ણ
– વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે અગ્રેસર ગાંધીધામવાસીઓને સ્વચ્છતામાં પણ અગ્રેસર રહેવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
માહિતી બ્યૂરો, ભુજ
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રૂા.૨૮૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રીએ ગુણવત્તાયુક્ત કામો કરવા પર ભાર મુકતા શહેરીજનોને “વિકસિત ભારત ૨૦૪૭”ના સપનાને સાકાર કરવા સહકાર આપવા તથા શહેરીજનોને સ્વચ્છતામાં પણ અગ્રેસર રહેવા અનુરોધ કર્યો હતો.
ઇફકો ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડથી આદિપુર સુધીના અંદાજિત ૧૩૫ કરોડના ખર્ચે લગભગ ૧૦ કિલોમીટરનો રીંગ રોડ, મેઘપર બોરીચી તથા મેઘપર કુંભારડીની ૧૦૦ કરોડથી વધુની પાણીયોજના, ૨૨ કરોડથી વધુના ખર્ચે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા ૨૦ કરોડથી વધુના અલગ અલગ માર્ગોના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, “નાગરિકો દેવો ભવ”ના મંત્ર સાથે દેશના વિકાસ માટે કટિબદ્ધ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત જ, વર્ષ ૨૦૨૫માં બનેલી ગાંધીધામ મહાનગરપાલિકાને ટૂંકાગાળામાં રૂ.૧૫૯૦ કરોડના વિકાસકામોની ભેટ અપાઇ ચુકી છે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા સક્રીય હોવાનું જણાવીને, ગાંધીધામ મહાનગરપાલિકાને ગુણવત્તાયુક્ત કામો કરવા પર ભાર મુકયો હતો. ઉપરાંત આ સાથે શહેરવાસીઓને “વિકસિત ભારત ૨૦૪૭”ના સપનાને સાકાર કરવા સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીધામ નગરવાસીઓને સંબોધીને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે કદમ માંડતા ગાંધીધામના નાગરિકો શહેરની સ્વચ્છતામાં પણ અગ્રેસર રહે તેવો આગ્રહ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઇ જરૂ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી તેજશભાઇ શેઠ, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી બી.ડી.દવેરા, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ મહેશ્વરી, આગેવાનશ્રી દેવજીભાઇ વરચંદ, ધવલ આચાર્ય, કલ્પેશ પટેલ, સહિત નગરસેવકો તથા મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.