વિકસિત ભારત ક્વિઝમાં કચ્છના યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ
“વિકસિત ભારત ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, જ્ઞાન, નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સમગ્ર પહેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ક્વિઝની વિશેષ બાબત એ છે કે રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને માનનીય વડાપ્રધાન સમક્ષ પોતાના વિચારો, નવીન સંકલ્પનાઓ તથા વિકસિત ભારત ૨૦૪૭ અંગેનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવાની વિશેષ તક પ્રાપ્ત થશે. આ યુવાનો માટે રાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા અને વિચારશક્તિ રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક બની રહેશે.
“વિકસિત ભારત યુવા સંવાદ ૨૦૨૭” અંતર્ગત સમગ્ર સ્પર્ધા પાંચ તબક્કામાં યોજાશે
૧. પ્રથમ તબક્કો – વિકસિત ભારત ક્વિઝ
૨. બીજો તબક્કો – નિબંધ લેખન
૩. ત્રીજો તબક્કો – જિલ્લા ચેમ્પિયનશિપ અને પ્રસ્તુતીકરણ
૪. ચોથો તબક્કો – રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંવાદ અને પ્રસ્તુતીકરણ
૫. પાંચમો અને અંતિમ તબક્કો – રાષ્ટ્રીય સંવાદ
આ સ્પર્ધામાં ભાગીદારી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના પાત્ર યુવાનો આ પહેલમાં ભાગ લઇ શકશે. સ્પર્ધા દ્વારા યુવાનોને પોતાના જ્ઞાન, પ્રતિભા અને સર્જનાત્મક વિચારોનું પ્રદર્શન કરવાની તેમજ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય યોગદાન આપવાની તક મળશે.
વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય સાકાર કરવામાં યુવા શક્તિની ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ છે. કચ્છના યુવાનો પ્રતિભા અને સર્જનાત્મકતામાં આગળ છે. તેથી તમામ પાત્ર યુવાનો આ તકનો લાભ લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાય અને મોટી સંખ્યામાં વિકસિત ભારત ક્વિઝમાં ભાગ લે. કચ્છ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો, યુવા સંગઠનો અને વાલીઓ પણ યુવાનોને આ રાષ્ટ્રીય પહેલમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ જિલ્લા યુવા અધિકારી શ્રી અમિત શર્માની અખબાર યાદીમાં કરાયો છે.