રેલવે યોજનાને ફોરલેન કરવાની મંજૂરી અપાઈ

ab043780adcca1ef6449b65080056d04

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી કેન્દ્રિય પ્રધાન મંડળ ની બેઠકમાં દેશમાં સાત રેલવે યોજનાને ફોરલેન કરવાની મંજૂરી અપાઇ હતી. ત્રણ મલ્ટિટ્રેકિંગ યોજનાઓ પર 10 હજાર કરોડથી વધુ 10,783 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાઓ હેઠળ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના 14 જિલ્લામાં લગભગ 656 કિલોમીટર રેલવે લાઇનો લંબાવાશે. આ કવાયતથી 4790 જેટલા ગામના 56 લાખ લોકોને રેલવેની સુવિધા મળવાની આશા છે, તેવું કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતાં કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. આ પરિયોજનાઓથી દર વર્ષે લગભગ બે કરોડ 27 લાખ ટન વધારાના માલ પરિવહનની ક્ષમતા વિકસિત થશે. ઉદ્યોગો સુધી કાચો માલ પહોંચાડવા અને તૈયાર માલ બજાર સુધી લઇ જવામાં પણ મદદ મળશે. સાથોસાથ માલ પરિવહન પર થતો ખર્ચ પણ ઘટાડી શકાશે. સરકારના કેવા અનુસાર, આ મહત્ત્વની પરિયોજનાઓથી દર વર્ષે લગભગ 12 કરોડ લિટર તેલની બચત થઇ શકશે. એ સિવાય 62 કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઓછું થશે તેવું પણ સરકારનું અનુમાન છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, ઉત્સર્જનમાં આટલા પ્રમાણમાં ઘટાડો લગભગ 2.48 કરોડ વૃક્ષ વાવવા જેટલો છે. આવી કવાયતથી દેશના જળવાયુ લક્ષ્યો સિદ્ધ કરવાની સાથોસાથ માલ પરિવહન પાછળ થતો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકશે, તેવું કેબિનેટના નિર્ણયો વિશે વાત કરતાં કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં કોલકાતા-દિલ્હી, ચેન્નાઇ-કોલકાતા, દિલ્હી-મુંબઇ, મુંબઇ-ચેન્નાઇ, બિલાસપુર-કટની રૂટ પર ફોરલેન ટ્રેકને મંજૂરી અપાઇ છે.