ખેડૂતો દુષ્કાળમાં, સરકાર કાગળ પર ખુશહાલ ગુજરાત બતાવવામાં વ્યસ્ત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા પરિસ્થિતિ અત્યંત ભયાનક અને ગંભીર બની ચૂકી છે. ખેડૂતો આર્થિક રીતે સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયા છે, ગામડાઓમાં પીવાના અને સિંચાઈના પાણીના ફાફા છે, પશુઓ માટે ઘાસચારો નથી અને ખેતરોમાં ઉભો પાક બળીને ખાખ થઈ ગયો છે. આવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક અછત અને દુષ્કાળ જાહેર કરવાની જરૂરિયાત હોવા છતાં, આ સરકારી તંત્ર ખેડૂતોની પીડા જોવાના બદલે ટેકનિકલ નિયમો, વૈજ્ઞાનિક કારણો અને સર્વેની આડ લઈને પોતાની જવાબદારીમાંથી છટકવાનો હીન પ્રયાસ કરી રહ્યું છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા આજે વિધાનસભામાં નિયમ ૧૧૬ હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચાની નોટિસ આપીને સરકાર સમક્ષ તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારના વલણથી ફરી સાબિત થયું છે કે તેના માટે ખેડૂતોના આંસુ કરતાં કાગળ પરના અંકડા અને નિયમો વધારે મહત્ત્વના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા આઠ-આઠ અઠવાડિયાથી એક ટીપું પણ વરસાદ પડ્યો નથી, છતાં સરકાર ૩૧ ઓક્ટોબર સુધી સર્વે કરવાના નામે સમય પસાર કરી રહી છે. ખેડૂત આજે મરી રહ્યો છે, તો સરકારની જવાબદારી પણ આજે જ હોવી જોઈએ; ૩૧ ઓક્ટોબર સુધી ખેડૂતોને પોતાના હાલ પર છોડી દેવા એ સીધો અન્યાય છે.
સરકારની પોતાની જ ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ના ગાઈડલાઈન મુજબ સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો ગંભીર સ્થિતિ અને સતત આઠ અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો અતિ ગંભીર સ્થિતિ ગણવામાં આવે છે. આજે ગુજરાતમાં ૧૧૨થી વધુ તાલુકાઓ એવા છે જે આ વ્યાખ્યા મુજબ ગંભીર અને અતિ ગંભીર દુષ્કાળની શ્રેણીમાં આવે છે. જો સરકારને પોતાના જ બનાવેલા નિયમો પર વિશ્વાસ હોય, તો પછી આ તાલુકાઓમાં તાત્કાલિક સર્વે પૂરો કરીને ખેડૂતોના પાક નુકસાનનું વળતર જાહેર કરવામાં સરકારને કયો ડર સતાવી રહ્યો છે?
ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના વર્ષ ૨૦૨૦થી બંધ કરી દેવામાં આવી છે. એટલે કે જ્યારે ખેડૂતનો ઉભો પાક બરબાદ થાય ત્યારે તેની પાસે પાક વીમાનું કોઈ રક્ષણ ઉપલબ્ધ નથી. એક તરફ પાક વીમાની વ્યવસ્થા છીનવી લેવાઈ છે અને બીજી તરફ દુષ્કાળ જેવી કટોકટીમાં સરકાર રાહત આપવામાં વિલંબ કરી રહી છે. પરિણામે ગુજરાતનો ખેડૂત બેવડી માર સહન કરી રહ્યો છે. સરકારે હવે કોઈ પણ જાતના બહાનાબાજી વગર અસરગ્રસ્ત તમામ તાલુકાઓમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને સીધું વળતર આપવું જ પડશે.
કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હિતમાં સ્પષ્ટ અને આક્રમક માંગણીઓ કરે છે:
• ૧૧૨થી વધુ ગંભીર અને અતિ ગંભીર સ્થિતિ ધરાવતા તાલુકાઓને તાત્કાલિક ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવામાં આવે.
• ખેડૂતોના પાક નુકસાનનો તાત્કાલિક યુદ્ધના ધોરણે સર્વે કરી સીધું વળતર ચૂકવવામાં આવે.
• ખેડૂતોનું એક વર્ષનું સંપૂર્ણ પાક ધિરાણ (લોન) તુરંત માફ કરવામાં આવે.
• ખેડૂતોના વીજ બિલમાં મોટી રાહત આપી સંપૂર્ણ માફી આપવામાં આવે.
• પીવાના અને સિંચાઈના પાણીની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે.
• પશુધન બચાવવા માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવાય અને જરૂરિયાતમંદો માટે રોજીરોટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
માત્ર વીજળી આપવાની પોકળ જાહેરાતો કરીને સરકાર ખેડૂતોની સમસ્યામાંથી હાથ ઝાટકી શકે નહીં. જ્યારે જમીનમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા હોય, સિંચાઈ માટે પાણી જ ન હોય અને પાક જ બળી ગયો હોય, ત્યારે માત્ર વીજળી આપીને સરકાર કોને છેતરી રહી છે? સરકારની જાહેરાતો અને જમીનની વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત આજે ગુજરાતનો ખેડૂત ભોગવી રહ્યો છે.
એક તરફ મોટા ઉદ્યોગપતિઓ અને ડેટા સેન્ટરો માટે સરકાર રાતોરાત નિર્ણયો લઈને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ મંજૂર કરી દે છે, પરંતુ બીજી તરફ ગુજરાતના જગતના તાતનો પાક બરબાદ થઈ રહ્યો હોય, ખેડૂત આર્થિક રીતે તારાજ થઈ રહ્યો હોય અને તેના પરિવાર સામે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હોય ત્યારે સરકાર પાસે કોઈ તાત્કાલિક નિર્ણય નથી! આ સરકાર માટે ખેડૂતોની પીડા કરતાં કાગળ પરના આંકડા વધારે વહાલા છે તે વિધાનસભાના જવાબથી ખુલ્લું પડી ગયું છે.
ભાજપ સરકાર જો ખરેખર ખેડૂતહિતૈષી હોવાનો દાવો કરતી હોય તો હવે શાસકોએ પોકળ ભાષણો બંધ કરીને નક્કર નિર્ણયો લેવા પડશે. નિયમો અને સર્વેની પદ્ધતિઓ પોતાની જગ્યાએ છે, પરંતુ જ્યારે ૧૧૨થી વધુ તાલુકાઓ અતિ ગંભીર સ્થિતિમાં હોમાઈ રહ્યા હોય ત્યારે સરકાર આંખ આડા કાન કરી શકે નહીં. ગુજરાતના ખેડૂતોને રાહત આપવા માટે ૩૧ ઓક્ટોબર સુધીની વાટ જોવડાવવાને બદલે સરકારે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને પાક નુકસાનીનું વળતર, ધિરાણ માફી, વીજ બિલ માફી અને ઘાસચારાની વ્યવસ્થા સહિતના તમામ રાહત પગલાં તાત્કાલિક જાહેર કરવા પડશે.