કાસેઝની કંપની દ્વારા અબજોનું જીએસટી રિફંડ મેળવાયું

image

કંડલા સેઝમાં ઓવરવેલ્યુએશના આધારે જીએસટી ચોરી કરાઈ હોવાનાં કૌભાંડનો પર્દાફાશ કસ્ટમની એસઆઈઆઈબીની તપાસમાં સામે આવ્યો છે. આ કાર્યવાહી બાદ હવે ડીઆરઆઈ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે, તેમાં  પણ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ કંડલા કસ્ટમની એસઆઈઆઈબીની ટુકડી દ્વારા ગુરુવારથી  તપાસ કરવામાં આવી હતી. બે દિવસની તપાસ પૂરી થયા બાદ તેમાં ખોટી રીતે જીએસટી રિફંડ મેળવી લેવાયું હોવાનું સામે આવ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. કૌભાંડ આચરનારી કંપની દ્વારા સેન્ટેડ ટોબેકોના વાસ્તવિક મૂલ્ય કરતાં  40 ગણું મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું અને સપ્લાય કરેલા માલની કિંમતનું 40 ટકા દરે રિફંડ મેળવી શકાય. આ કૌભાંડમાં કાસેઝ સ્થિત કંપની દ્વારા યુએઈ, ઓમાન, સહિત 100થી વધુ દેશમાં કન્સાઈન્મેન્ટની નિકાસ કરી હોવાનું  જણાવી 100 કરોડથી વધુની રકમનું જીએસટી રિફંડ મેળવી લેવાયું  હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ  કૌભાંડ તો એક એકમનું પકડાયું છે. અધિકારીઓની મિલીભગતથી અન્ય કંપનીઓએ પણ આ પ્રકારનો કારસો રચ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.દરમ્યાન આ મામલાની તપાસ  બાદ હવે ડિરોક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા પણ સંભવત આ જ પ્રકારના કિસ્સા મામલે તપાસ  આદરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.  12 કરોડની કિંમતના તમાકુના જથ્થા મામલે તપાસ  હાથ ધરાઈ છે, હજુ કાર્યવાહી જારી હોવાથી વધુ વિગતો બહાર આવી નથી.