નંદગામમાં એક રાતમાં બે મંદિરોનાં તાળાં તૂટતાં શ્રદ્ધાળુઓમાં રોષ

ભચાઉ તાલુકાના નંદગામમાં આવેલા બે મંદિરોનાં તાળાં તોડી ચોરોએ દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂા. 19,000ની તસ્કરી કરી હતી. ધાર્મિક સ્થાનોમાં ચોરીના આ બનાવથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી છે.મળતી માહિતી મુજબ નંદગામમાં આવેલા શ્રીશેષ માતા અને મોમાઈ માતાનાં મંદિરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. ગામમાં રહેનાર ફરિયાદી યુવાન ગાડીમાં પાણીની બોટલો ભરીને વરસાણા ચોકડીએ ઊભો હતો. ત્યારે ગામના આસાભાઈ રબારીએ ફોન કરી આપણા મંદિરની દાનપેટીનું તાળું તૂટયું હોવાની વાત કરી હતી જેથી ફરિયાદી ત્યાં જતાં આસપાસના લોકો એકઠા થાયા હતા. નિશાચરો ગત રાત્રિ દરમ્યાન શ્રીશેષ માતાના મંદિરનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને તેમાં રખાયેલી દાનપેટીનાં તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 18,000ઉઠાવી લીધી હતી. આટલાથી સંતોષ ન થતાં તસ્કરો મોમાઈ માતાનાં મંદિરે ગયા હતા. આ મંદિરનાં તાળાં તોડી દાનપેટીનાં તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 1000ની ચોરી કરી હતી. આ બે મંદિરોમાં ચોરીના બનાવને પગેલે ભારે ચકચાર પ્રસરી છે.