રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

image

યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં એકસાથે એક હજારથી વધુ ડ્રોન છોડાયા હતા. આ હુમલામાં એક મોટી રિફાઈનરીને ભારે નુકસાન પહોંચ્યું હતું, તો ચાર લોકોનાં મોત નિપજ્યાં હતા. તેમજ વીસ જણ ઘવાયા હતા. રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે જ આટલો મોટો હુમલો થતાં યુદ્ધ ભડકવાની ભીતિ છે. દરમ્યાન, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફના અમેરિકાના પગલાંનો મજબૂત જવાબ આપતાં મોસ્કોએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહીનો પ્રતિસાદ તો સૈન્યની ભાષામાં આપવો જોઈએ. મોસ્કોએ 1600થી વધુ ડ્રોન તોડી પાડયા હોવાનું કહ્યું હતું, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સ્કીએ આ હુમલાઓની પ્રશંસા કરી હતી. એક મીડિયા હેવાલ અનુસાર , હુમલાની પ્રશંસા કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, રાત્રે મોસ્કો ક્ષેત્રમાં કરવામાં આવેલા લાંબા અંતરના હુમલાઓની નોંધપાત્ર અસર થઈ છે, જેમાં મહત્ત્વપૂર્ણ તેલ સુવિધાઓ અને લોજિસ્ટિક્સ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયાની સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો વિસ્તાર પર યુક્રેન દ્વારા ડ્રોનથી કરાયેલા હુમલા અંગે મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે, 1,600થી વધુ ડ્રોનને આંતરીને તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 450 ડ્રોન રાજધાની તરફ આગળ વધી રહ્યા હતા. દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયાએ કિવ પર રાત્રિ દરમિયાન હુમલા કર્યા છે, જેમાં ત્રણ બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે. આ હુમલા એવા સમયે થયા છે, જ્યારે રશિયા અને યુક્રેન બંને એકબીજા સામે લાંબા અંતરના હુમલાઓ તીવ્ર બનાવી રહ્યા છે.