ગાંધીધામમાં SDLG Indiaનો ₹300 કરોડના રોકાણ સાથે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ


વર્ષે 3,000 યુનિટ ઉત્પાદનનું લક્ષ્ય, વ્હીલ લોડર-એક્સકેવેટર સહિતના સાધનોનું થશે ઉત્પાદન ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ક્ષેત્રે વધુ એક મોટું રોકાણ આવ્યું છે. વૈશ્વિક કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઉત્પાદક SDLG Indiaએ ગાંધીધામમાં ₹300 કરોડના પ્રારંભિક રોકાણ સાથે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. કંપનીએ તબક્કાવાર રીતે વર્ષે 3,000 યુનિટ સુધીનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ભારતમાં 2009થી કાર્યરત SDLG India દ્વારા ગાંધીધામમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં વ્હીલ લોડર, એક્સકેવેટર અને ઇલેક્ટ્રિક મશીનો સહિતના કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટનું ઉત્પાદન કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ નવા પ્લાન્ટથી ભારતમાં લોકલ મેન્યુફેક્ચરિંગ અને લોકલ સોર્સિંગને વેગ મળશે. સાથે જ ભારતીય સપ્લાયર નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ કંપની કામ કરશે. આ સાથે SDLG Indiaએ ભારતમાં ડીઝલ અને ઇલેક્ટ્રિક એક્સકેવેટર, વ્હીલ લોડર અને મોટર ગ્રેડર સહિતના 10 નવા કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ્સ પણ રજૂ કર્યા છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે ડીલર નેટવર્કના વિસ્તરણ અને સંબંધિત પ્રવૃત્તિઓથી ભારતમાં આશરે 2,500 પરોક્ષ રોજગારીની તકોને સહાય મળવાની અપેક્ષા છે. કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માઇનિંગ ક્ષેત્રમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને SDLG India દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલો આ પ્લાન્ટ કંપનીની ભારતમાં મેન્યુફેક્ચરિંગ, લોકલાઇઝેશન અને સર્વિસ ક્ષમતાના વિસ્તરણની યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે.