સેવા સંકલ્પ અભિયાન અન્વયે કચ્છ જીલ્લા ભાજપ અને માનસ હનુમાન ધામ કટારિયાના સંયુક્ત ઉપક્રમે 51,000 આશીર્વાદના દીવડા પ્રગટાવ્યા

image

દેશના માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76 મા જન્મદિવસ નિમિત્તે
 ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તેમના નિરોગી, નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે સમગ્ર ભારતભરમાં આશીર્વાદના દીવડાઓ પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવી રહ્યા છે અને સાથોસાથ પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનની ઉજવણી અનેક સેવાકીય પ્રકલ્પો જેવા કે આરોગ્ય, શિક્ષણ, રોજગાર કૌશલ્ય, કૃષિ વિકાસ કે સ્ત્રી સશક્તિકરણ વડે કરીને સેવાના ભેખધારી વ્યક્તિત્વની ગરિમાને છાજે એમ યથાર્થ માધ્યમો દ્વારા ઉજવણીઓ કરવામાં આવી રહી છે.

આ અવસરે કચ્છ જિલ્લા ભાજપ અને માનસ હનુમાન ધામ કટારિયાના સંયુક્ત ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોદીજીને રાષ્ટ્રસેવા અને સમાજ ઉત્થાનના કાર્યો માટે હજુ પણ અહર્નિશ શક્તિ સાંપડે એવા શુભાશયથી ૫૧ હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીપોત્સવમાં મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જેમણે ખૂબ જ ઉત્સાહ અને ભાવભેર ભાગ લીધો હતો. સાયંકાળે એકાવન હજાર દીવડાઓની રોશની થકી સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ભાનુપ્રસાદ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે ભારતમાતાના ગૌરવોત્થાન માટે અકલ્પનીય પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે આવા વિરલ વ્યક્તિત્વને વધુ બળ અને ઉર્જા પ્રદાન થાય એના માટે આપણે સૌએ ઈશ્વર પાસે સામુહિક પ્રાર્થના કરવી જોઈએ.

આ અવસરે ખાસ ઉપસ્થિત પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે રાત-દિવસ સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌ દીપ પ્રગટાવીને વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે હનુમાનજી દાદાના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરીએ. વધુમાં તેમણે વડાપ્રધાનના સબળ નેતૃત્વ હેઠળ દેશના સર્વાંગી વિકાસને આગળ ધપાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને ઉમેર્યું હતું કે આ પ્રકારના આયોજનો સમાજમાં એકતા, ભક્તિ અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સેવા સંકલ્પ અભિયાનનો હેતુ માત્ર કાર્યક્રમોનું આયોજન કરવાનો નહીં, પરંતુ મોદીજીના જન્મદિન ઊજવણી નિમિતે સમાજમાં સેવા, સંસ્કાર, એકતા અને સકારાત્મકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. આવા વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો દ્વારા લોકો સુધી સેવા અને સંસ્કારનો સંદેશ પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત, અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે અનેક પૂજનીય સંતો મહંતો ઉપરાંત કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી,  જીલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન વાઘજીભાઈ છાંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર આયોજનની સફળતા માટે ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ નારાયણભાઈ ઢીલા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન, જિલ્લા પંચાયત સભ્ય વિજયસિંહ જાડેજા, જગદીશભાઈ સુથાર, સુરેશભાઈ ઠાકોર, રવિન્દ્રભાઈ ગામી સહિતના કાર્યકર્તાઓ અને ભક્તજનો દ્વારા કરવાજહેમત ઉઠાવવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

1.jpeg