પર્યાવરણ માટે ઉદાહરણરૂપ ગણેશોત્સવનો અહેવાલ ફોટા સાથે પ્રકાશિત કરવા અંગે

એકબાજુ તહેવારો, ઉત્સવો અને અન્ય આયોજનોની ઝાકઝમાળ વધારવામાં વપરાતી અનેક નુકસાનકારક વસ્તુઓથી ખુબ જ પ્રદુષણ ફેલાઇ રહ્યું છે અને વિસર્જન માટે પુરતાં પાણીના તળાવોના અભાવે બેફામ પધરાવાતી નાની મોટી અસંખ્ય મૂર્તિઓ આમતેમ રઝળી રહી છે તે જોઈને અનેક શ્રદ્ધાળુઓ અને પર્યાવરણ પ્રેમીઓ દુખી થઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ સ્વચ્છ ભારત અભિયાન જેવા દેશવ્યાપી કાર્યક્રમોની અસર ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે એવો સહજ સ્વભાવ ધરાવતા અનેક લોકો અને સંસ્થાઓના સકારાત્મક પ્રયાસોથી ખુબ જાગૃતિ પણ આવી રહી છે.
આવો જ એક સરસ પ્રયાસ ભુજની ભાગોળે મદનપુર ગામના હાલાઈ પરિવાર અને હરિઓમ ગ્રુપના ઉત્સાહી યુવાનો દ્વારા આયોજિત ફળિયા ગણેશોત્સવમાં થાય છે જે બહુ મોટાં આયોજનો કરનારાઓ માટે પણ ઉદાહરણરૂપ છે.
ચાલુ વર્ષે અહીંના ગણેશોત્સવમાં મંડપની ચારેય બાજુની સંપુર્ણ સજાવટ સુકાં નાળિયેરના ઉપયોગથી કરાઈ જેમાં અંદરનું ટોપરું, વચ્ચેનું કાચલું અને બહારની છાલ શુદ્ધાનો પણ ઉપયોગ કરીને તેમાંથી ઝુમ્મર, તોરણ, ચંદરવો, ફળ રાખવા માટેના પાત્ર સહિતની વસ્તુઓ બનાવવા થયો છે.
ગત ૧૩ વર્ષથી થતાં આયોજનને સંપુર્ણ સાત્વિક રૂપ આપવા પંડાલમાં કાયમી ધોરણે રાખવા મોટી મૂર્તિ અને પુજા તથા વિસર્જન માટે ગોબરના નાના ગણપતિ રખાય છે. કેમિકલયુક્ત અગરબત્તીને બદલે ગોબરની ધુપબત્તિ અને દીવામાં શુદ્ધ ગાયના ઘી નો વપરાશ કરાય છે.
આજુબાજુના ૧૦૦ જેટલા ઘરોમાંથી આવતા અન્નકૂટ પ્રસાદમાં પણ આગ્રહ રખાય છે કે શક્ય તેટલી વાનગીઓ પણ ઘરે જ બનાવેલ હોય.
આ મંડળ દ્વારા થતા ગણેશોત્સવ અને નવરાત્રિમાં સિંહાસન, સાઉન્ડ, મંડપ, લાઈટિંગ સહિતની દરેક સામગ્રી સ્વખર્ચે કાયમી રીતે વસાવી લેવામાં આવી હોવાથી દરવર્ષે બહુ મોટો ખર્ચ બચી જતાં તેનો સદુપયોગ બાળકોની સાંસ્કૃતિક વેશભૂષા અને રાસ સ્પર્ધામાં ઇનામો આપવા માટે અને આવકની સંપૂર્ણ રકમનો ઉપયોગ ગાયોના ઘાસચારા માટે કરાતો હોવાનું ગોસેવા ગતિવિધિના પ્રચાર સંયોજક રામજી વેલાણીએ જણાવ્યું છે.