કચ્છમાં ગંભીર બનાવ: ઉગેડી નજીક મુસ્લિમ યુવાન સાથે મારામારી અને ₹15 હજાર લૂંટાયાની ફરિયાદ

image

નખત્રાણા તાલુકાના ઉગેડી ગામ નજીક નાગિયારી ગામના 22 વર્ષીય બસીર અલી નોતિયાર સાથે મારામારી કરી તેમની પાસેથી ₹15 હજારની રકમ લઈ લેવાઈ હોવાની ફરિયાદ સામે આવી છે.

મળતી માહિતી મુજબ, બસીર અલી નોતિયાર કોલસો ભરેલી ટ્રક લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રસ્તા પર ગાય બેઠેલી હોવાથી વાહન અટકાવવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ સ્થળ પર હાજર કેટલાક વ્યક્તિઓએ તેમને રોકી નામ પૂછ્યું હતું. આ પછી તેમની સાથે મારામારી કરી ₹15 હજાર લઈ લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મારામારીમાં ઇજાગ્રસ્ત બસીર અલીને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે લાવવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો મોહસીન હિંગોરજા, ઇકબાલ જત, ઇમરાન રાઠોડ, મોહમદ ખલિફા અને અનીશ જુણેજા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આગેવાનોએ પીડિત યુવાનને પોલીસ ફરિયાદ નોંધાવવામાં જરૂરી મદદ કરી હતી.

આ સમગ્ર મામલે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે તથા જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પીડિત યુવાનને ન્યાય મળે અને વિસ્તારમાં શાંતિ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી પણ માંગ કરવામાં આવી છે.

⚖️ કાયદો હાથમાં લેવાની કોઈને છૂટ ન હોવી જોઈએ.