મોટા યક્ષના મેળામાંથી પરત ફરતા સુખપરના યુવાનને અકસ્માત નડતાં મોત

image

ગઇકાલથી જ પ્રારંભ થયેલા નખત્રાણાના મોટા યક્ષનો મેળો મહાલીને પરત ફરતા ભુજ તાલુકાના સુખપરના 25 વર્ષીય યુવાન મનીષભાઇ ગોવિંદભાઇ જોગીને અકસ્માત નડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી આ કરુણ દુર્ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ તા. 28/9ના અડધી રાતે 1.40 વાગ્યાના અરસામાં મોટા યક્ષના મેળામાંથી સુખપરનો યુવાન મનીષ જોગી તેના કબજાની બાઇકથી પરત ફરી રહ્યો હતો અને દેશલપર પાસે પહોંચ્યો હતો, ત્યારે કાર સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં માથાંના ભાગે ગંભીર રીતે ઘાયલ મનીષને સારવાર અર્થે તેનો ભાઇ ઉમેશ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં રાતે 2.50 વાગ્યે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરીને નખત્રાણા પોલીસને જાણ કરાઇ છે. મોટા યક્ષના મેળા દરમ્યાન ભુજ-મોટા યક્ષ વચ્ચે અનેક વખત વાહન અકસ્માતમાં જીવ ગયાનાં બનાવો બની ચૂક્યા છે ત્યારે ખાસ કરીને રાત્રિ દરમ્યાન વાહન ધીમે ચલાવી પોતાની તથા અન્યોની જિંદગી બચાવવા જાગૃતોએ અપીલ કરી છે.