સુપ્રીમ : યુપીઆઈ પર ચાર્જ કયા આધારે

image

દેશભરના વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનોની તૈયારી વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે યુપીઆઈ મારફતે બે હજાર રૂપિયાથી વધુ ચૂકવણાં પર 0.4 ટકા ચાર્જ લગાવતા કેન્દ્ર સરકારના ફેંસલા પર રોક મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો.સૂત્રો પરથી મળતી માહિતી જો કે, સમાંતરે કેન્દ્ર સરકારને નોટિસ આપીને આ નવા નિયમને લાગુ કરવાનો આધાર શું છે, તેવા સવાલનો જવાબ આપવા પણ અદાલતે નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે વકીલ અંજના દત્તાની જનહિત અરજી પર સાવણી કરતાં આવો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે  ભારતીય રિઝર્વ બેન્ક , નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિત અન્ય સંબંધિત પક્ષોને પણ નોટિસ આપી હતી. કેન્દ્ર સરકાર સહિત આ તમામ સંસ્થાને ચાર અઠવાડિયામાં જવાબરૂપે સોગંદનામું દાખલ કરવાનો આદેશ અદાલતે આપ્યો હતો. આ મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે, આ મામલો કાનૂની કરતાં ટેકનિકલ વધારે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી અધિક સોલિસીટર જનરલ એન. વેંકટરમણે જણાવ્યું હતું કે, નવા ફ્રેમવર્ક હેઠળ પેમેન્ટ ગેટવે દ્વારા થનારા લગભગ 96 ટકા વ્યવહાર આ ચાર્જથી મુક્ત રહેશે. જરૂરી સેવાઓ માટે આ ચાર્જને પાંચ રૂપિયા સુધી સીમિત કરાયો છે. બાકી સામાન્ય લોકો એકબીજાને પૈસાની યુપીઆઈ દ્વારા આપ-લે કરે તેના પર કોઈ ચાર્જ લાગવાનો નથી, તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. દરમ્યાન એડવોકેટ અંજના દત્તાએ જનહિતની અરજીમાં સવાલ ઊઠાવ્યો હતો કે, બે હજાર રૂપિયાની જ સીમા કેમ નક્કી કરાઈ છે ? સરકારે જનતા સાથે ચર્ચા કર્યા વગર અને કોઈ નક્કર નિયમ બનાવ્યા વિના જ આ ચાર્જ લાગુ કરવાનું નક્કી કર્યું છે, તેવું પણ દત્તાએ જણાવ્યું હતું.