સ્વચ્છ ભારત મિશનથી રાપરના મંજુવાસના ભીખાલાલના ઘરે શૌચાલય બનતા મુશ્કેલી થઇ દૂર

w

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાએ વ્યક્તિગત શૌચાલયના માધ્યમથી ગ્રામીણ પરિવારોના જીવનમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સન્માનની નવી રોશની પ્રગટાવી છે. આ યોજના રાપર તાલુકાના માંજુવાસ ગામના રહેવાસી ભીખાલાલભાઈ માટે આશીર્વાદરૂપ બની છે.

માંજુવાસ ગામમાં રહેતા ભીખાલાલભાઈના ઘરે અગાઉ શૌચાલયની કોઈ સુવિધા ન હતી. જેના કારણે તેમના પરિવારને ખાસ કરીને મહિલાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ચોમાસા અને ખુલ્લામાં જવાની મજબૂરી તેમના માટે રોજની ચિંતાનો વિષય હતી. આ અંગે તેમને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલય સહાય માટેની માહિતી મળી હતી. તેમણે અરજી કરતા જ સરકાર તરફથી તેમને સહાય મંજૂર કરવામાં આવી અને તેમના ઘરે જ વ્યક્તિગત શૌચાલય બનાવી આપવામાં આવ્યું હતું. ઘરમાં જ શૌચાલયની સુવિધા મળતા જ ભીખાલાલભાઈના પરિવારની વર્ષો જૂની મુશ્કેલીનો અંત આવ્યો છે. હવે તેમના પરિવારને ખુલ્લામાં જવું પડતું નથી અને સ્વચ્છતા જળવાઈ રહેતા બીમારીઓનું જોખમ પણ ઘટ્યું છે. પોતાના ઘરે શૌચાલય બનતા ખુશી વ્યક્ત કરતા ભીખાલાલભાઈએ જણાવ્યું હતું કે, “અગાઉ શૌચાલય ન હોવાથી અમને ખૂબ જ તકલીફ પડતી હતી. ખાસ કરીને મારી ૧૦ વર્ષની દિવ્યાંગ દિકરીને સમસ્યા ભોગવવી પડતી હતી. સરકારે અમારા ઘરે જ શૌચાલય બનાવી આપ્યું છે તેનાથી અમારી મોટી મુશ્કેલી દૂર થઈ ગઈ છે. ઘરમાં જ સુવિધા મળતા હવે અમને સન્માન અને સુરક્ષા બંને મળ્યા છે. આ માટે હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો દિલથી આભાર માનું છું.

“આમ, સ્વચ્છ ભારત મિશન કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સાથે-સાથે લોકોના જીવનમાં ગૌરવ અને સુવિધા પણ લાવી રહ્યું છે.