માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજની કચ્છ કલેક્ટર કચેરી ખાતે આર.ટી.આઈ પરિસંવાદ યોજાયો

ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા આજરોજ તા. ૦૯ ઓક્ટોબરના રોજ, ભુજ કલેક્ટર ઓફિસ ખાતે “આર.ટી.આઇ. સપ્તાહ ઉજવણી – ૨૦૨૬” અંતર્ગત પરિસંવાદ માન. રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પરિસંવાદમાં વાવ-થરાદ, બનાસકાંઠા ખાતેથી કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માન. રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ માન. મુખ્ય માહિતી કમિશનરશ્રીને આવકારીને જણાવ્યું હતું કે, આર.ટી.આઈના કાયદાથી દેશમાં લોકશાહીને નવું બળ મળ્યું છે અને લોકશાહી વધુ મજબૂત બની છે. કચ્છ કલેક્ટરશ્રીએ આર.ટી.આઈ અધિનિયમ અંતર્ગત અરજદારશ્રીઓને નિયત મર્યાદામાં માહિતી આપવા સહભાગીઓને અનુરોધ કર્યો હતો.
આ પરિસંવાદમાં આર.ટી.આઇ. વીડીયો-પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આર.ટી.આઈ અધિનિયમની વિવિધ કલમોની માહિતી વિસ્તૃત સ્વરૂપે આપવામાં આવી હતી.
ત્યારબાદ, માન. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરે માહિતી અધિકાર અધિનિયમને લગતી વિસ્તૃત સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીશ્રીઓ દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી ભૂલો વિશે માહિતી આપીને માન. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરે જણાવ્યું હતું કે, અરજદારની અરજીને પ્રાથમિકતા આપીને માહિતી નિયત સમય મર્યાદામાં આપવી જોઈએ. ખાસ કરીને દરેક વિભાગ- સંબંધિત કચેરીઓ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નિયમોનુસાર અદ્યતન રાખવા માન. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રીએ સૂચન કર્યું હતું.
આ પરિસંવાદમાં સહભાગી એવા તમામ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આર.ટી.આઈ અધિનિયમની માહિતી વિસ્તૃત રીતે પુરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે અધિક કલેક્ટરશ્રી પી.એલ.વિઠાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પરિસંવાદ દરમિયાન કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, કચ્છ જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.