દયાપરમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારાને 20 વર્ષની સખત કેદ
લખપત તાલુકાના દયાપર વિસ્તારમાં 14 વર્ષીય સગીર બાળક સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સને ભુજની કોર્ટએ તકસીરવાન ઠેરવ્યો હતો. આ શખ્સને 20 વર્ષની સખત કેદ તથા રૂા 51,000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવની વિગતો મુજબ ગત નવેમ્બર 2024માં દીવાળી વેકેશન દરમ્યાન ભોગ બનનાર સગીર પોતાના મિત્ર સાથે ઘરે આવ્યો હતો. આ સમયે બંને મિત્રો અન્ય એક મિત્રના ઘરે કબૂતર જોવા ગયા હતા. જ્યાં રસ્તામાં મિત્રના સગા કાકા એવો આરોપી મનસુખ ભગવાન બારૈયા નામનો શખ્સ તેમને મળ્યો હતો. આ આરોપીએ બંને બાળકોને કબૂતર બતાવવાનું કહી પોતાની આઇ-20 ગાડીમાં બેસાડી મોરગર સીમ વિસ્તારમાં નિર્જન જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં તેણે સગીરની મરજી વિરુદ્ધ તેને ડરાવી-ધમકાવીને ગાડીની પાછળની સીટમાં દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં સગીરના સાહેદ મિત્ર પાસે આ કૃત્યનો મોબાઇલમાં વીડિયો બનાવડાવી તે ફોટા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આ સગીર સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ વાત કોઇને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ચકચારી અને અન્ય બનાવ અંગે ગત તા. 4-2-2025ના દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બનાવની તપાસ કરનાર પી.આઇ. બી.વી. ભોલાએ જરૂરી પુરાવા એકઠા કરી ભુજની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યાં આ કેસ ન્યાયાધીશ એમ.એફ. ખત્રી સમક્ષ આવી ગયો હતો. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા ઉપસ્થિત રહી તેમણે અદાવતમાં 30 દસ્તાવેજી પુરાવા તથા 14 સાક્ષીઓની તપાસ કરી ધારદાર દલીલો કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખી અદાલતે આ શખ્સને તકસીરવાન ઠરાવ્યો હતો અને પોકસોની કલમ 4 મુજબ 20 વર્ષની સખત કેદ, રૂા. 25,000નો દંડ, કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદ, રૂા. 25,000નો દંડ તથા બી.એન.એસ.ની 351 (1) મુજબ 1 વર્ષની કેદ તથા રૂા. 1000ના દંડની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂા. 3 લાખ વળતર ચૂકવવા ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવાનો તથા આરોપી દ્વારા ભરવામાં આવતી દંડની રકમ પણ ભોગ બનનારને જ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતે. આ ચુકાદાનાં પગલે આવા તત્ત્વોમાં ફફડાટ પ્રસર્યો હતો.