માતાના મઢ ખાતે ‘શક્તિ પર્વ’ નિમિત્તે પારંપરિક ગરબા યોજાશે
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, કચ્છ-ભુજ દ્વારા સંયુક્ત રીતે ‘શક્તિ પર્વ’ નિમિત્તે માતાના મઢ ખાતે નવરાત્રિ રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના શક્તિપીઠ સ્થળોની મુલાકાત લેતા પર્યટકોને સાંસ્કૃતિક વારસાની વિભિન્ન ઝાંખી મળી રહે તથા પવિત્ર યાત્રાધામને પારંપરિક શેરી ગરબા દ્વારા વધુ ઉર્જાવાન બનાવી શકાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શેરી ગરબાનું આયોજન આગામી તારીખ ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૮:૦૦ કલાકથી માતાના મઢ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ ભવ્ય અને ભાતીગળ ગરબા કાર્યક્રમમાં પધારવા તેમજ તેનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.