સ્ટેટ ટીટી ચેમ્પિયનશિપઃ અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સ ટીમ ઇવેન્ટમાં ફેવરિટ તમામ ખેલાડી મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં ભાગ લેશે

Preview 1

ગાંધીધામ, 15 ઓક્ટોબરઃ ધ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સ ટીમને મોખરાના ક્રમાંક આપવામાં આવ્યા છે જેનું આયોજન 16થી 20મી ઓક્ટોબર દરમિયાન આદિપુર (ગાંધીધામ)ના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે થનારું છે. રાજ્યના ટેબલ ટેનિસ કેલેન્ડરની સિઝનની આ અંતિમ અને સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ રહેશે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (GSTTA)ના ઉપક્રમે આયોજિત આ ટુર્નામેન્ટમાં ફ્રેન્ડ્સ ગ્રૂપ ટાઇટલ સ્પૉન્સર છે અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા પ્રાયોજિત છે. આ ચેમ્પિયનશિપને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનનું સમર્થન પ્રાપ્ત છે, જ્યારે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેટ સ્પૉન્સર છે, સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પૉન્સર છે અને મોબીસ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ પાર્ટનર છે.

મેન્સ ટીમ ઇવેન્ટમાં  ડિફેન્ડિંગ ચેમ્પિયન સુરતનેટાઇટલની રેસમાં ટોચના ક્રમ ધરાવતા અમદાવાદ, બીજો ક્રમ ધરાવતા અરવલ્લી અને વડોદરા તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે. વિમેન્સ વિભાગમાં, ટોચનો ક્રમાંક ધરાવતંર સુરત બીજો ક્રમ ધરાવતા ભાવનગર અને અમદાવાદ પાસેથી સૌથી મજબૂત પડકારનો સામનો કરે તેવી અપેક્ષા છે.

જ્યારે ટીમ ઇવેન્ટ્સ રોમાંચક સ્પર્ધાનું વચન આપે છે, ત્યારે સિઝનના અંતિમ મુકાબલામાં સિંગલ્સ કેટેગરી પણઓપન છે, જે રાજ્યની સિઝનના સૌથી વધુ રેન્કિંગ પૉઇન્ટ્સ પ્રદાન કરે છે.

મેન્સ સિંગલ્સમાં, છઠ્ઠી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટના વિજેતા રાજકોટના જયનીલ મહેતા પર સૌની નજર રહેશે. જોકે, અરવલ્લીના જન્મેજય પટેલ અને અમદાવાદના અભિલાષ રાવલ બે વખત સ્ટેટ રેન્કિંગ વિજેતા રહી ચૂક્યા છે અને તેઓ પણ ટાઇટલ માટે મજબૂત દાવાદારો રહેશે.

વિમેન્સ સિંગલ્સમાં સુરતની ફિલઝાફાતીમા કાદરીએ સતત છેલ્લા બે સ્ટેટ રેન્કિંગ ખિતાબ જીત્યા છે અને  તે હેટ્રિક નોંધાવવાના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે. જોકે, અમદાવાદની પ્રથા પવાર અને મૌબોની ચેટરજીની જોડી એક મજબૂત પડકાર ઊભો કરશે.

જુનિયર ઇવેન્ટ્સમાં બોયઝ અંડર-17માં ભારતના છઠ્ઠા ક્રમના ખેલાડી અને સિઝનની પોતાની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલા બિનક્રમાંકિત વિવાન દવે સહિત અનેક હોનહાર પેડલર્સ જોવા મળશે, જે ઊંચા ક્રમાંક ધરવતા ખેલાડીઓને હરાવવાની ક્ષમતા રાખે છે. રિયા જયસ્વાલ, પ્રથા પવાર, દાનિયા ગોદિલ, અભિલાક્ષ પટેલ અને દ્વિજ ભાલોડિયા સાથે મળીને આ સ્પર્ધા સ્થાપિત પ્રદર્શનકર્તાઓ અને ઉભરતી પ્રતિભાઓ વચ્ચેના રોમાંચક મુકાબલા માટે મંચ સજ્જ કરશે.

GSTTA ના માનદ સચિવ અને આયોજન સચિવ શ્રી હરિકુમાર પિલ્લાઈએ જણાવ્યું હતું કે ટીમ ચેમ્પિયનશિપના વિજેતાઓ સહિત કુલ 5,21,200 રૂપિયાની ઇનામી રકમ દાવ પર છે. સ્પર્ધા માટે નવ ટેબલનો ઉપયોગ કરવામાં આવશે અને 25 લાયકાત ધરાવતા ટેકનિકલ અધિકારીઓ સમગ્ર ટુર્નામેન્ટનું નિરીક્ષણ કરશે.

શ્રી પિલ્લાઈએ ઉમેર્યું હતું કે  “આ ચેમ્પિયનશિપે 21 કેટેગરીમાં 618 એન્ટ્રીઓ આકર્ષિત કરી છે. સિનિયર, જુનિયર (અંડર-19) અને સબ-જુનિયર (અંડર-15) કેટેગરીમાં છ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટીમ ઇવેન્ટ્સમાં 13 જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ સ્પર્ધા કરશે.”

GSTTA ના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે રેન્કિંગ પૉઇન્ટ્સની દૃષ્ટિએ આ ચેમ્પિયનશિપ સિઝનની સૌથી મોટી ટુર્નામેન્ટ છે, જે રાજ્યની ટીમમાં સ્થાન મેળવવાની ઇચ્છા રાખતા ખેલાડીઓ માટે તેને અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.

તેમણે જણાવ્યું હતું કે “અહીંનું સારું પ્રદર્શન ખેલાડીઓને રાજ્યની ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં મૂકી દેશે. અમે અમારા તમામ ખેલાડીઓ માટે મફત રહેવાની, જમવાની અને પરિવહનની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.”