હુમલો કરનારાનું નિશાન ખરેખર ટાઇગર નહોતો
મુંબઇના જુહૂમાં 18મી ઓકટોબરે થયેલા ગોળીબારની ઘટના બાદ ટાઇગર શ્રોફની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેને મળવા ગયા હતા ત્યારે છાતી, ખભા અને જમણા હાથ પર પટ્ટી બાંધેલી હતી, પરંતુ ભાજપના નેતા આશિષ સેલારે લીધેલી મુલાકાતના ફોટોમાં ટાઇગર પટ્ટી વગર સામાન્ય દેખાયો હતો. મીડિયા અહેવાલો મુજબ આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, ખરેખર ટાઇગર તેમના નિશાને નહોતો. તેઓ મુંબઇના અન્ય કોઇ બોલીવૂડના હાઇપ્રોફાઇલ શખ્સની હત્યાના ઇરાદાથી ત્યાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની તપાસમાં આરોપીએ કહ્યું હતું કે, તેઓ ટાઇગરને મારવા મુંબઇ નહોતા આવ્યા પરંતુ જેને મારવાનો હતો તેની મજબૂત સુરક્ષાનાં કારણે તેઓ ત્યાં સુધી પહોંચી શકયા નહોતા. તેમણે પ્રશંસકોએ બનાવેલી રીલના આધારે ટાઇગરની સુરક્ષા જોઇ લીધા પછી તેને નિશાન બનાવ્યો હતો. હુમલો કરનારાઓએ ઇન્સ્ટાગ્રામ ખાતાથી લોકેશન મેળવી બોલીવૂડમાં ભય ફેલાવવા માટે સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાં તેમની બંદૂક જામ થઇ જતાં ડ્રાઇવર અને ટાઇગર ત્યાંથી નીકળી જવામા સફળ થયા હતા. ભાજપ નેતા સેલારે તેમની મુલાકાતના ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, જુહૂમાં થયેલો ગોળીબાર દુર્ભાગ્યપૂર્ણ છે. આપણા સમાજમાં આવી હિંસક ઘટનાઓ માટે કોઇ જગ્યા નથી. તેમણે અભિનેતાનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તેવી કામના કરી હતી.
શેર કરો –