કાસેઝના કરોડોના કૌભાંડમાં શખ્સના જામીન નકારાયા
ગાંધીધામ શહેરના કાસેઝમાંથી ડીઆરઆઇ દ્વારા પકડવામાં આવેલ રૂા. 43.87 કરોડની કસ્ટમ ડયૂટી અને માલ હેરફેરના મોટા કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની નિયમિત જામીન અરજી અહીંની કોર્ટએ ફગાવી દીધી હતી.સૂત્રો પરથી મળતી માહિતી ગાંધીધામ ડીઆરઆઇ દ્વારા કસ્ટમ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ડીઆરઆઇની તપાસ દરમ્યાન આરોપી ની પેઢી દ્વારા ડોમેસ્ટિક ટેરિફ એરિયા માંથી ચાર અલગ અલગ તબક્કે કુલ 29,120 કિલો તંબાકુ અને પાનમસાલાની પેદાશો ખરીદવામાં આવી હતી, જેનું સત્તાવાર બજાર મૂલ્ય 14,19,85,900 દર્શાવવામાં આવ્યું હતું, જેના દ્વારા અંદાજે 43.87 કરોડની જંગી કસ્ટમ ડયૂટીની ચોરી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે. એજન્સીની તપાસ દરમ્યાન મેકસ ઇમ્પેક્સના નોંધાયેલા સરનામાં પર ખુલ્લો પ્લોટ મળી આવ્યો હતો. જ્યાં કોઇ શેડ કે માલ નહોતો. બાદમાં બીજા દિવસે કાસેઝ સ્થિત અન્ય યુનિટ શેડ નંબર 380માં મેસર્સ સુબૈકા વેરહાઉસ એલએલપીના શેડમાંથી 28,108 કિલો જેટલા તંબાકુ અનને પાન મસાલો મળી આવ્યા હતા. સરકારી માન્યતાપ્રાપ્ત વેલ્યુઅરના પ્રમાણપત્ર મુજબ આ મળી આવેલા માલની કિંમત રૂા. 61,81,894 હતી, જે મૂળ જાહેર કરેલી કિંમતના માત્ર 4.35 ટકા જેટલી જ થતી હતી. જ્યારે દસ્તાવેજોમાં તેની કિંમત રૂા. 14.19 કરોડ દર્શાવાઇ હતી. આ પ્રકારે મૂળ ઉચ્ચ કિંમતના માલને નીચાણવાળી ગુણવત્તાના માલ સાથે બદલી નાખીને 13.58 કરોડના તફાવત સાથે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. અસલી માલનો પત્તો મેળવવાનું બાકી છે. એક્સ ઇમ્પેક્સના અધિકૃત પ્રતિનિધિ અને શ્રી ક્રિષ્ના ઇન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર એવા ની ડી.આર.આઇ.એ સપ્ટેમ્બર 26ના અટક કરી હતી ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. એજન્સીના હાથે પકડાયેલા આ આરોપીએ નિયમિત જામીન પર છૂટવા અહીંની કોર્ટમાં અરજી કરી હતી. ડીઆરઆઇ વતી સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ સોગંદનામું રજૂ કરી જામીનનો સખત વિરોધ કર્યો હતો. ડીઆરઆઇએ જણાવ્યું હતું કે, આ આરોપી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. જેણે કાસેઝમાંથી હાઇવેલ્યુ માલ ડીટીએમાં રૂપાંતરિત કર્યો છે તથા આરોપી સામે અગાઉ પદ્ધર પોલીસ મથકે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અંગેનો ગંભીર ગુનો નોંધાયેલો છે અને તે અંગે ચાર્જશીટ પણ દાખલ થયેલી છે. જે હકીકત અહીં કરાયેલી જામીન અરજીમાં છુપાવવામાં આવી છે. મૂળ માલ ક્યાં ગયો ? ખરીદદારો કોણ છે ? નાણાકીય વ્યવહારોની તપાસ નિર્ણાયક તબક્કામાં હોવાથી જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની પૂરી સંભાવના દર્શાવવામાં આવી હતી. પક્ષોની વિસ્તૃત દલીલો અને રેકર્ડ પરના પુરાવાઓને ધ્યાને લેતાં કોર્ટએ અવલોકન કર્યું હતું કે, 14.19 કરોડના માલ સામે માત્ર 61.81 લાખની કિંમતનો માલ મળતો તે ભારે શંકાસ્પદ છે અને અસલી માલ ક્યાં છે તેની સઘન તપાસ જરૂરી છે. પ્રથમ દર્શનીય રીતે આરોપીની સક્રિય સંડોવણી અને જંગી આર્થિક હિતો સંકળાયેલા હોવાથી તથા અગાઉની ફોજદારી ગુનો છુપાવવાની બાબતને ધ્યાનમાં રાખીને અદાલતે આ શખ્સના નિયમિત જામીન નામંજૂર કર્યા હતા.