`મોક સંસદ’માં જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગ

ચૂંટણીમાં અનિયમિતતાઓના આરોપ સાથે ચૂંટણીપંચ અને મોદી સરકાર સામે વિપક્ષી ઈન્ડિયા જોડાણનો વિરોધ શનિવારે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને તાત્કાલિક હટાવવા તેમજ તેમને વિશેષાધિકાર આપતો 2023નો કાયદો રદ કરવાની માંગ કરી હતી. ખડગેએ ચૂંટણીપંચના વડા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.`મોક સંસદ’માં પ્રતીકાત્મક `જાહેર મહાભિયોગ’ દરમ્યાન જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ સ્પીકરની ખુરશી પર બેસાડાયેલાં મીરાંકુમાર સમક્ષ મૂકતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, કુમાર જેવા બંધારણીય પદ પર બેઠેલા લોકો લોકતંત્ર માટે ખતરો છે.ચૂંટણીપંચના વડાના મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 2024ની આખેઆખી લોકસભા ચૂંટણી જ ગેરકાનૂની છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આવાસનાં પરિસરમાં `ઈન્ડિયા’ જોડાણે યોજેલી `મોકસંસદ’માં કોંગ્રેસ સહિત 19 વિપક્ષના 215 સાંસદ હાજર રહ્યા હતા. ત્રણ કલાક અને 23 મિનિટ ચાલેલી મોક સંસદનું અધ્યક્ષ પદ પૂર્વ સ્પીકર મીરાંકુમારે સંભાળ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર પર છ આરોપ મૂક્તાં જણાવ્યું હતું કે, ચૂંટણી ચોરવાનો કારસો કુમારે રચ્યો હતો. બીજા આરોપમાં તેમણે કહ્યું હતું કે, `સર’ની કાતરથી 13.2 કરોડ મતદારનાં નામ કાપી નાખ્યાં, સંસદને વિશ્વાસમાં લીધા વિના ફોર્મ-6માં બદલાવનો ત્રીજો આરોપ મૂક્યો હતો. ઈકોમેન્ટ મારફતે મતદારયાદી પર કબજો કરવાનો ચોથો, પાંચમો આરોપ બે ચૂંટણી કમિશનરને બાકાત કરી એકલા હાથે નિર્ણય લેવાનો મૂક્યો હતો. છઠ્ઠો આરોપ મૂક્તાં ખડગે બોલ્યા હતા કે, ચૂંટણીપંચના વડાએ મોદી અને શાહના ઈશારે કામ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, બંધારણની કલમ 326 હેઠળ નાગરિકોને અપાયેલો મતદાનનો અધિકાર આજે ગંભીર ખતરામાં છે. તેમણે જણાવ્યું હતું કે, સાત મહિના પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે સંસદના બંને ગૃહમાં 193 વિપક્ષી સાંસદે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે ફગાવી દેવાયો હતો. દરમ્યાન, મહાભિયોગ પ્રસ્તાવના પક્ષમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્ઞાનેશકુમાર સામે અદાલતમાં દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. ખડગેનાં 10, રાજાજી માર્ગ સ્થિત આવાસનાં પરિસરમાં યોજાયેલી મોક સંસદમાં જોડાયેલા તમામ વિપક્ષી સભ્યોએ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાવ્યો હતો.