રાહુલ : જ્ઞાનેશ જેલ જશે; મોદી-શાહ સામે કાર્યવાહી થશે

દેશના ચૂંટણીપંચ તેમજ દેશની સરકારમાં શાસન પરિવર્તન નહીં થાય, ત્યાં સુધી પગ વાળીને બેસવાના નથી, તેવી પ્રતીતિ કરાવતા છેલ્લા 25 દિવસમાં સાતમી વાર વિપક્ષો એકજૂટ થયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી રાજધાનીનાં રામલીલા મેદાન પર રવિવારે વિપક્ષી ઈન્ડિયા જોડાણ દ્વારા યોજિત રેલીને સંબોધતાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારી વાત સાચી પડશે, જ્ઞાનેશકુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી હટશે અને જેલ જશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ કાયદાની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘર પર મોક સંસદમાં મહાભિયોગના બીજા દિવસે રવિવારે ખડગે, રાહુલ સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત વિપક્ષી નેતાઓ રામલીલા મેદાન પર પહોંચ્યા હતા. સર અને ચૂંટણી લક્ષી અનિયમિતતાઓના આરોપ સાથે `ઈન્ડિયા’ની રેલીમાં રાહુલે આજે બીજા દિવસે પણ કહ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણી `ગેરકાનૂની’ છે. અમિત શાહ કહે છે કે, નરેન્દ્ર મોદી ક્યાંય નહીં જાય, હું આપ સૌને કહું છું કે, જવા ઈચ્છતા હશે તોય મોદી ક્યાંય નહીં જઈ શકે. અમે તેમને કયાંય નહીં જવા દઈએ. દેશ ન્યાય મેળવશે. વોટચોરી અને દેશ ઉદ્યોગપતિઓને વેચી દેવાનાં કૃત્યો સામે અમે ન્યાય માગશું, ન્યાય માટે લડશું, તેવું લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું. રામલીલા પર આજે વિશાળ સંખ્યામાં ઊમટીને સમર્થક સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સંદેશ આપ્યો છે, તેવું રાહુલે કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન  ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશના યુવાનો, અનુસૂચિતો અને મહિલાઓના મત છીનવી લેવાની કોશિશ કરી છે. અમે મોદીને હરાવશું અને તો જ લોકતંત્ર બચશે. મોદી જશે, જરૂર જશે. અમે ઈડી અને સીબીઆઈથી ડરતા નથી, અમે ડરનારા નથી, અમે લડનારા છીએ. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે બોલ્યા હતા કે, ભાજપને સત્તાથી બેદખલ કર્યા વિના અમે શાંતિથી બેસવાના નથી. બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં `ચોરી કરેલી સરકારો’ છે. આ રેલીને સમર્થન આપતાં રામલીલા મેદાન પર પહોંચેલા તૃણમૂલ અધ્યક્ષ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચ પર આકરા પ્રહાર કર્યા હતા. બંગાળ `સર’થી પીડિત છે. અમે કોઇને છોડવાના નથી. અમે લડશું અને લોકતંત્રને બચાવશું. ઇવીએમ લૂંટયું, લોકતંત્ર લૂંટયું, બંધારણ લૂંટયું. અમે હાર્યા નથી, હરાવાયા છીએ. વિપક્ષો લોકતંત્રની રક્ષા માટે લડાઇ જારી રાખશે, તેવું મમતા બોલ્યાં હતાં. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે, રામલીલા મેદાન લોકતંત્રનું હલ્દીઘાટી બની ગયું છે. યુપીના લોકો જેટલું ભવ્ય સ્વાગત કરે છે તેનાથી ભવ્ય  વિદાય આપે છે. રાજદ નેતા તેજસ્વી યાદવે આરોપ મૂક્યો હતો કે, દેશમાં વોટચોરીની શરૂઆત બિહારથી થઇ હતી. ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફતી, સુપ્રિયા સૂલે સહિત નેતાઓ જોડાયા હતા.