હાજીપીર રણમાંથી પાકિસ્તાની આરોપી ઝડપાયો

સંવેદનશીલ ગણાતા સરહદી કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા દળ દ્વારા રાખવામાં આવી રહેલી બાજ નજર વચ્ચે વધુ એક સફળતા મળી છે.સૂત્રો પરથી મળતી માહિતી રવિવારના  હાજીપીર નજીકના રણ વિસ્તારમાંથી ગેરકાયદે ભારતીય સીમામાં ઘૂસી આવેલા એક પાકિસ્તાની નાગરિકને બીએસએફની સતર્ક ટુકડીએ ઝડપી પાડ્યો છે.  વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, રવિવારના હાજીપીર રણ પટ્ટામાં નિયમિત પેટ્રાલિંગ કરી રહેલા બીએસએફના જવાનોની નજર પાકિસ્તાન તરફથી આવી રહેલા એક અજાણ્યા શખ્સની શંકાસ્પદ હિલચાલ પર પડી હતી. સતર્ક જવાનોએ તુરંત જ તેને કોર્ડન કરી તાબામાં લઈ લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સે હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રણ સીમા ઓળંગીને ભારતમાં પ્રવેશેલો આ શખ્સ અજાણતા સીમા વટાવીને ભૂલો પડ્યો છે કે પછી તેની પાછળ કોઈ ઘૂસણખોરી કે જાસૂસીનો ઈરાદો છુપાયેલો છે, તે દિશામાં બીએસએફ તેમજ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધી બીએસએફ દ્વારા સ્થાનિક પોલીસ મથકને આ શખ્સની સત્તાવાર કસ્ટડી સોંપવામાં આવી ન હોવાથી તેની પાસેથી કોઈ વાંધાજનક સામાન મળ્યો છે કે કેમ તે અંગેની સંપૂર્ણ વિગતો બહાર આવી શકી ન હતી. આ બનાવને પગલે સરહદી રણ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.