કંડલાની કંપનીમાં યુવાનને ગેરકાયદે અટકાયતમાં રાખી ઢોરમાર મરાયો

કંડલા મરીન પોલીસ મથક વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી અહીંની ખાનગી કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીને કંપનીમાં ગેરકાયદે ગોંધી રાખી તેના પર ડંડા વડે હુમલો કરાયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. કંડલા પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો યુવાન કંડલા સ્થિત અરિહંત નામની કંપનીમાં કામ કરતો હતો. ગત તા. 28-9થી તા. 5-10-2026ના સાંજે પાંચ વાગ્યા સુધીમાં બનેલા આ બનાવ અંગે તા. 3-11ના બપોરે કંડલા પોલીસે ગુનો દર્જ કર્યો હતો. આ ફરિયાદ મધ્યપ્રદેશથી ઝીરો નંબરથી અહીં આવ્યા બાદ ગુનો નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી યુવાન કંડલામાં ધીર પારેખની અરિહંત કંપનીમાં નોકરી કરતો હોઇ આરોપીઓએ પોતાની કંપનીની જાણકારી આ ફરિયાદી નીલેશ તિવારી અન્ય માણસોને બતાવે છે, તેનું મનદુ:ખ રાખી આરોપીઓએ પણ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવાના હેતુથી આ કર્મચારીને કંપનીમાં ગેરકાયદે અટકાયતમાં રાખ્યો હતો અને ત્યાં ધીર પારેખે ફરિયાદીને ડંડાથી માર માર્યો હતો તથા જયંતી પટેલ અને બાઉન્સર સૌરભે ધકબુશટનો માર માર્યો હતો, જેમાં ફરિયાદીને ડાબા હાથે, જમણી કોણી, પીઠ, જાંઘમાં ઇજાઓ પહોંચી હતી. આ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી બાજુ કંપનીના સંચાલકે આ કર્મચારીએ ઓફિસમાંથી ત્રણ લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. કંડલાની અરિહંત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સામે ફરિયાદ નોંધાવી હતી. તા. 28-9થી 29-9 દરમ્યાન બનેલા આ બનાવ અંગે ગઇકાલે રાત્રે ગુનો દર્જ થયો હતો. ફરિયાદીની ઓફિસમાં આ શખ્સ પટ્ટાવાળા તરીકે કામ કરતો હોઈ અને ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડ રૂા. 3 લાખની ચોરી કરી હતી અને ચોરેલા રૂપિયા પરત ન આપી ગુનો કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ તેને રાજ્ય સરકારના પોલીસ પોર્ટલ પર અપગ્રેડ કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે આ બંને ફરિયાદ ઓનલાઇન સંવેદનશીલ કરી દેવાતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.