સુપ્રીમ : તરત સુનાવણી મૌલિક અધિકાર

એનડીપીએસ, યુએપીએ અને પીએમએલએ જેવા વિશેષ કાયદાઓ સાથે બંધારણની કોઈ જોગવાઈમાં વિરોધાભાસ કે ટકરાવ સામે આવે તો આખરે બંધારણ જ માન્ય બનશે તેવી મહત્ત્વની સ્પષ્ટતા સર્વોચ્ચ અદાલત તરફથી આપવામાં આવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જસ્ટિસ એ.એસ.ચંદુરકરની પીઠે દોહરાવ્યુ હતું કે, ત્વરિત સુનાવણી મૌલિક અધિકાર છે. કોઈપણ કાયદા હેઠળ તેનું ઉલ્લંઘન કરી શકાય નહીં અને તે જામીનનો આધાર પણ બની શકે છે. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું હતું કે, બંધારણનાં કલમ 21 હેઠળ આપવામાં આવેલા અધિકાર ફક્ત બંધારણીય અધિકાર નથી પણ મૌલિક અધિકાર છે. જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપણાં સંવિધાનિક ન્યાયશાત્રનાં મૂળમાં છે. આ મૌલિક અધિકારો સાથે કોઈ ખિલવાડ કરી શકાય નહી, પછી ભલે તે કોઈ વિશેષ કાયદો પણ કેમ ન હોય. અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે, બંધારણની વ્યાખ્યા કાયદાને આધીન નહીં પણ કાયદાની વ્યાખ્યા બંધારણ આધારિત હોવી જોઈએ. કાયદો વિશેષ હોય કે સામાન્ય, બંધારણની વ્યાખ્યાનો તે માર્ગદર્શક ન બની શકે. મૌલિક અધિકારની વ્યાખ્યા પણ તેનાં આધારે જ થવી જોઈએ અને તે એવી હોવી જોઈએ જે અધિકારનાં ઉદ્દેશને આગળ વધારે.