ગાંધીધામમાં 1.43 લાખના દારૂ સાથે કારચાલકની અટકાયત

ગાંધીધામશહેરના રેલવે ગૂડઝ શેડ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી કારમાંથી રૂા. 1,43,020ના અંગ્રેજી શરાબ સાથે શખ્સની પોલીસે અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ દારૂ રેલવેના પાર્કિંગ વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો. શહેરનાં રેલવે મથક બાજુથી ગૂડઝ શેડ બાજુ આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે સવારે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી ટાટા કંપનીની જેસ્ટા કાર આવતાં પોલીસે તેને રોકાવી હતી અને તપાસ કરતાં દારૂની પેટીઓ મળી આવી હતી. આ કારના ચાલકની ધરપકડ કરાઈ હતી. આ ગાડીમાંથી મળેલો દારૂ તે શહેરના રેલવે મથકના પાર્કિંગ વિસ્તારમાં જઈ ત્યાંથી શખ્સે દારૂ ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પાર્કિંગ વિસ્તારમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવયો હશે ? તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. તેમજ ત્યાં કોઈનું ધ્યાન નહીં ગયું હોય ? પકડાયેલી આ કારમાંથી ધ રોક ફોર્ડની 750 મિ.લિ.ની 48 બોટલ, બો હો ક્લાસિકની 20, બ્લેન્ડર્સ પ્રાઈડની 12, મેજિક મોમેન્ટની 12, જેએન્ડબી રેરની 6, 8પીએમના 96 કવાર્ટરિયા, ગ્રીન લેબલના 96 કવાર્ટરિયા એમ કુલ રૂા. 1,43,020નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલો શખ્સ કોના માટે કામ કરે છે ? કોને દારૂ આપવાનો હતો ? તેના ભાગીદાર કોણ કોણ છે ? તે સહિતની વિગતો બહાર આવી નથી.