ત્રણ જવાનને ઘાયલ કરનારા બે આતંકવાદીને કુલગામમાં બે આતંકવાદી ઠાર
પાંચ દિવસ પહેલાં સીઆરપીએફની ચોકી પર તૈનાત જવાનો પર 30 રાઉન્ડ ગોળીબાર કરી ત્રણ જવાનને ઘાયલ કરનારા બે આતંકવાદીને સેનાએ કુલગામ જિલ્લાના લારુમાં ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક લશ્કર-એ-તોયબાનો કમાન્ડર હતો. મળતી માહિતી અનુસાર કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં લતીફ ભટ ખીણમાં લશ્કર-એ-તૈયબાનો છેલ્લો બાકી રહેલો કમાન્ડર હતો અને તેનો સાથી ઉમર સામેલ છે. લતીફ ભટ આ વર્ષે કુલગામ અને અનંતનાગમાં થયેલા હુમલાઓની શ્રેણીમાં સામેલ હતો. આ હુમલાઓમાં અનંતનાગના લાલ ચોક ખાતે પોલીસકર્મીઓની હત્યા અને કુલગામમાં બે પરપ્રાંતીય મજૂરોની હત્યાનો સમાવેશ થાય છે. એક આર્મી અધિકારીના કહયા અનુસાર, આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે તે વિસ્તારને ઘેરી લીધો હતો. તલાશી અભિયાન દરમિયાન, જ્યારે સુરક્ષા દળો એક શંકાસ્પદ છુપાયેલા સ્થળની નજીક પહોંચ્યા, ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. બંને પક્ષે ત્રણ કલાક સુધી ચાલેલી અથડામણ બાદ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન, સેનાએ અથડામણના સ્થળની આસપાસ આવેલી શાળાઓમાંથી બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નોંધનીય છે કે, ગત 11 નવેમ્બરના નૌપોરા અખરાનમાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન ઘાયલ થયા હતા. ત્યારથી સુરક્ષા દળો હુમલાખોરોને શોધી કાઢવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા હતા. દરમિયાન, આ અથડામણ સર્જાઈ હતી, જેમાં બંને આતંકી હણાયા હતા.