શિયાળામાં ગરમાગરમ સૂપના સ્વાદ સાથે સ્વાસ્થ્ય અને વજન નિયંત્રણમાં મદદરૂપ
શિયાળાની ઋતુ શરૂ થતાં જ ગરમાગરમ અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઇચ્છા વધી જાય છે. ઠંડીના દિવસોમાં એક બાઉલ ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે. સામાન્ય રીતે સૂપને માત્ર ભૂખ સંતોષવા માટેનું પીણું માનવામાં આવે છે. પરંતુ, યોગ્ય શાકભાજી, કઠોળ અને પૌષ્ટિક સામગ્રીમાંથી બનાવવામાં આવેલો સૂપ સ્વસ્થ આહારનો ઉત્તમ વિકલ્પ પણ છે. ખાસ કરીને વજન નિયંત્રણ અને મેદસ્વિતા ઘટાડવા ઇચ્છતા લોકો માટે સૂપ દૈનિક આહારમાં ઉપયોગી સ્થાન ધરાવે છે. જેમાં ટામેટા સૂપ, મિક્સ વેજિટેબલ સૂપ, પાલક સૂપ, દાળ અને મશરૂમ સૂપ, દૂધી અને ગાજરનું સૂપનો સામાવેશ થાય છે.
ટામેટાંમાંથી બનાવવામાં આવતું સૂપ શિયાળામાં સૌથી લોકપ્રિય અને સરળતાથી બનાવી શકાય એવો વિકલ્પ છે. ટામેટાંમાં વિટામિન સી, પોટેશિયમ અને લાઇકોપીન જેવા એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. આ ઉપરાંત ગાજર, બીટ, કોબી, ફણસી, ટામેટાં, પાલક અને બ્રોકોલી જેવી શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું મિક્સ વેજિટેબલ સૂપ પોષકતત્વોથી ભરપૂર હોય છે. શાકભાજીમાં વિટામિન, ખનિજતત્વો અને ફાઇબર શરીરની પોષણ જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ બને છે. તેમજ પાલકમાં આયર્ન, ફોલેટ, વિટામિન અને અન્ય ખનિજતત્વો રહેલાં હોય છે. પાલકને આદુ, લસણ, કાળા મરી અને થોડા લીંબુના રસ સાથે તૈયાર કરીને પૌષ્ટિક સૂપ બનાવી શકાય છે.
આ ઉપરાંત દાળ અને મશરૂમ સૂપ જેમાં મસૂરની દાળ, મગની દાળ અને અન્ય કઠોળમાંથી તૈયાર કરવામાં આવતા સૂપમાં પ્રોટીન અને ફાઇબર બંને મળે છે. પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને જાળવણી માટે જરૂરી છે. જ્યારે ફાઇબર પેટ ભરેલું રાખવામાં મદદરૂપ બને છે. બીજી તરફ, મશરૂમમાં પ્રોટીન ઉપરાંત વિવિધ વિટામિન અને ખનિજતત્વો હોય છે. મશરૂમ, ડુંગળી, લસણ અને કાળા મરીનો ઉપયોગ કરીને તૈયાર કરેલો સૂપ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની શકે છે. ખાસ કરીને વજન નિયંત્રણ દરમિયાન શરીરને જરૂરી પોષણ મળે તે માટે દાળ આધારિત સૂપ સારો વિકલ્પ છે. સાથોસાથ દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ અને કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી દૂધીનું સૂપ હળવો અને પૌષ્ટિક વિકલ્પ બની શકે છે. દૂધીને આદુ, જીરું અને મરી સાથે બાફીને સૂપ તૈયાર કરી શકાય છે. ગાજરમાં રહેલું બીટા કેરોટીન શરીરમાં વિટામિન એમાં રૂપાંતરિત થાય છે. જે આંખો અને રોગપ્રતિકારક તંત્રના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દૂધી અને ગાજરને ભેળવીને બનાવેલો સૂપ સ્વાદ અને પોષણ બંનેનો સારો સમન્વય છે.
મેદસ્વિતા ઘટાડવા માટે માત્ર કોઈ એક પ્રકારનો ખોરાક કે સૂપ ચમત્કારિક પરિણામ આપતો નથી. વજનમાં સ્વસ્થ અને ટકાઉ ઘટાડો લાવવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને શિસ્તબદ્ધ જીવનશૈલી જરૂરી છે.