નાની ચીરઈ નજીક બાઈકને કારે હડફેટે લેતાં યુવાનનું મોત
ભચાઉ તાલુકાના નાની ચીરઈ નજીક આગળ જતા બાઈકને પાછળથી કારે હડફેટમાં લેતાં બાઈકચાલકનું મોત થયું હતું તેમજ ચીરઈ નજીક જ બાઈકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં મહિલાનું મોત થયું હતું. માહિતી મુજબ શિવલખા ગામમાં રહેનાર યુવાન આઈ.ઓ.સી.એલ. કંપનીમાં નોકરી કરતો હતો, તે બાઈક લઈને તે કામે જવા નીકળ્યો હતો. તે નાની ચીરઈ કબ્રસ્તાન સામે ધોરીમાર્ગ ઉપર પહોંચ્યો હતો, ત્યારે પાછળથી આવતી ક્રેટા કાર નંબર ડી.એલ-12-સી.એન.-4390એ બાઈકને ટક્કર મારી હતી, જેમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને 108 મારફતે રામબાગ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. કારચાલક સામે મૃતકના ભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમજ બીજીબાજુ આદિપુરમાં રહેતા મૂળ જાસ્કા, હારીજ, પાટણના ફરિયાદી તથા તેમના પત્નીને અકસ્માત નડયો હતો. આ દંપતી બાઈક લઈને જાસ્કા ગામથી આદિપુર આવી રહ્યું હતું. તે નાની ચીરઈ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી આવતી ટ્રકએ બાઈકને હડફેટમાં લેતાં દંપતી નીચે ફંગોળાયું હતું, જેમાં તોતિંગ વાહનનાં પૈડાંમાં મહિલાનું માથું આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્નેને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ બંને બનાવ અંગે પોલીસે ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.