અરબી સમુદ્રમાં લો પ્રેસર અને મસ્કત ઓમાન તરફ વધતા વાવાઝોડા વચ્ચે કચ્છમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. દરિયામાં મોજા ઉછળવાની અને દરીયો તોફાની બનવાની ચેતવણીને પગલે કચ્છના કંડલા, જખૌ સહિતના તમામ બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર ભગીરથસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે કચ્છના કાંઠાળ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડે તેવી ચેતવણી છે. આગોતરી તૈયારી રૂપે કચ્છમાં એનડીઆરએફની ટીમને એલર્ટ રખાઈ છે. જખૌ બંદરે રવિવારથી બોટોને દરીયામાં જવાના ટોકન આપવાના બંધ કરી દેવાયા છે. જો કે જખૌના દરીયામાં હજી ૧૦૦ જેટલી બોટ છે તે તમામને પરત કિનારે આવી જવા જણાવી દેવાયુ છે. કચ્છના દરીયામાં હજી બહુ કરંટ નથી, પણ ચેતવણીને પગલે તંત્ર સાવધાન છે.