મુન્દ્રા પોર્ટ સ્થિત પરિવહનકારની ટ્રક ચલાવતો પરપ્રાંતીય યુવાન ડ્યુટી પર મોતને ભેટતાં વળતર મુદ્દે ટ્રાન્સપોર્ટર અને મૃતકના કુટુંબીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું .જેનો મોડે સુધી નિવેડો ન આવતાં હતભાગી યુવાનની લાશ 24 કલાક સુધી એમ્બ્યુલન્સમાં પડી રહી હતી.જેથી રોષે ભરાયેલા અંદાજીત 300થી વધારે શ્રમજીવીઓ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામનો પ્રયાસ કરતાં પોલીસ હરકતમાં આવી હતી અને સ્થળ પર ઘસી જઈ ટોળાને વિખેરતાં પરિવહન રાબેતા મુજબનું થયું હતું.ઘટના સ્થળેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મુન્દ્રા પોર્ટ તરફ જતાં આસુતોષ સીએફએસ નજીકની ચોવાટે આવેલ એસીટી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો ભૂષણકુમાર (ઉ.વ. 27 મૂળ સોનપુર-બિહાર)નામક યુવાનનું મોરબીથી ટાઇલ્સ ભરીને મુન્દ્રા આવતી વેળાએ માર્ગમાં મોત થયું હતું. તેના શબને મુન્દ્રા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.જ્યાં તેનું મોત હૃદય રોગના હુમલાને કારણે થયું હોવાનું ખુલવા પામ્યું હતું. પરંતુ તેનું ફરજ દરમ્યાન મોત થતાં કંપનીમાં ફરજ બજાવતા ટ્રક ચાલકોએ ટ્રાન્સપોર્ટર પાસે વળતરની માંગ સાથે એસીટીનો સંચાલક કંપનીમાં ટ્રક હાંકતા અંદાજીત 300 ચાલકો પાસે વિમાના નામે પ્રતિમાસ 200રૂ કાપતો હોવાનો આક્ષેપ કર્યો હતો. છતાં પણ મૃતકને વળતર આપવાનો ઇન્કાર કરતાં શ્રમજીવીઓએ લાશ તેના ગામ લઇ જવાનો નનૈયો ભણતા 24 કલાક એમ્બ્યુલન્સમાં પડી રહી હતી.આમ સવારથી સમય વીતતો જતો હોવાથી મોડી સાંજે રોષે ભરાયેલા શ્રમિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતાં પોલીસ કાફલાએ સ્થળ પર ઘસી જઈ પરિસ્થિતી કાબુ કરી હતી.આ અનુસંધાને એસીટીના સંચાલક અશોકભાઈ ઠક્કરનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેમનો ફોન સતત એક કલાક સુધી વ્યસ્ત જણાઈ આવ્યો હતો.