છોટા હાથી-સ્કુટી અથડાતાં એક ઇજાગ્રસ્ત

ગાંધીધામના સતત ધમધમતા ટાગોર રોડ પર સાંજના વ્યસ્ત સમયે જ છોટા હાથી માલવાહક ગાડીનું ટાયર નીકળી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને સ્કુટીને ટક્કર મારી હતી જેમાં સ્કુટી ચાલકને ઇજાઓ પહોંચી છે. સમી સાંજે થયેલી આ ઘટનાને કારણે ટાગોર રોડનો ટ્રાફીક જામ થયો હતો. જો કે, મોડી રાત સુધી આ બનાવ અંગે પોલીસમાં કોઇ માહીતી આવી ન હતી. ટાગોર રોડ ઉપર ઇફ્કો કોલોની સામે જ બનેલા આ બનાવમાં પોતાની સ્પીડમાં જઇ રહેલા જીજે-12-બીવી-3202 નંબરના છોટા હાથી ગાડીનું પાછલું ટાયર નીકળી ગયું હતું જેના કારણે મુંઝાઇ ગયેલા છોટા હાથીના ચાલકે જીજે-12-ડીએફ-3656નંબરના સ્કુટી ચાલકને ટક્કર મારી હતી. સ્કુટી ચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતને કારણે ટાગોર રોડ ઉપરનો ટ્રાફીક જામ થયો હતો. જો કે, આ બનાવ મોડી રાત સુધી પોલીસ ચોપડે ચડ્યો ન હતો.