ભુજના અનેક રસ્તાઓ મરમ્મ્તને અભાવે ખખડધજ થઇ ગયા છે. કરોડો રૂપિયા વપરાયા પછી પણ ભુજવાસીઓના નસીબમાં સારા રસ્તા નથી. જૂની રાવલવાડી વિસ્તારનો આ રસ્તો છેલ્લા આઠ વર્ષથી નથી બન્યો. જેને કારણે સીસી રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે. ખેંગાર પાર્ક બાદ સ્મૃતિ મંદિર સામે જતો રસ્તો બીજી તરફ ત્રિપુરા સુંદરી સર્કલ તરફના રીંગ રોડ પર નીકળે છે, ત્યાં સુધી એકાદ વર્ષ અગાઉ કરવા પૂરતા પેચવર્ક થયું હતું. અંદાજે એક હજાર જેટલો રહેણાક વિસ્તારમાં વસતા પાંચ હજારથી વધુ રહેવાસીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. દિવસભર અવરજવરથી ધમધમતા આ રસ્તો અનેક કોલોનીઓને જોડે છે. પંચાયત પરિવાર, પૂનમ સોસાયટી, સિધાર્થ પાર્ક, જૂની રાવલવાડી સરકારી વસાહત ઉપરાંત મહેસુલી કર્મચારીઓના રહેણાક અહીં આવેલા છે. તો આ રસ્તે જ સ્કુલ બસ, સીટી બસ સહિતના મોટા વાહનો પણ પસાર થાય છે. રહેવાસીઓની વખતોવખત રજૂઆત બાદ પણ ભુજ સુધરાઈ કોઈ પણ કારણસર આ રસ્તાને મરમ્મત નથી કરતી. આ વિસ્તારના જ એક નાગરિકે સરસ ટીપ્પણી પણ કરી હતી કે, નગરસેવકો જ્યારે ઉમેદવાર હોય ત્યારે વોટ માંગવા દેખાયા છે, ત્યારબાદ આવ્યા નથી. આખો રસ્તો ટુ-વ્હીલરથી પસાર કરે તો કદાચ અનુભવ થાય કે રસ્તો કેટલો ખરાબ છે.