કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભામાં કોંગ્રેસે બોલાવી તડાપીટ-લોકસમસ્યાને મુદ્દે ભાજપ દ્યેરાયું

કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને લોક સમસ્યાને મુદ્દે બરાબર દ્યેરીને તડાપીટ બોલાવી હતી. સભાના પ્રારંભે મોડા પડવા બદલ કોંગ્રેસે ભાજપને બરાબર ખખડાવીને શિક્ષણ, આરોગ્ય, તલાટીઓની ગેરહાજરી સહિતના મુદ્દે તડાપીટ બોલાવી હતી. વિપક્ષીનેતા વી.કે. હુંબલે કચ્છમાં તલાટીઓની ગેરહાજરીના કારણે ગામડાઓમાં લોકોના કામો થતાં નથી. કયારે તલાટી આવશે એ નક્કી નથી હોતું. આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કબુલ્યું હતું કે, તલાટીઓની દ્યટ છે. ૬૩૦ ગામો અને પેટા ગામોની ૯૦૦ ની સંખ્યા સામે માત્ર ૪૧૦ તલાટીઓ છે. જોકે, તલાટીઓની હાજરી અને સમય મર્યાદાના મુદ્દે કોંગ્રેસની રજુઆત સ્વીકારી આ અંગે સૂચના આપવાની ખાતરી અપાઈ હતી. જોકે, ૨૨ તલાટીઓ સામે તપાસ ચાલુ હોવાનું અને ૨ તલાટી સસ્પેન્ડ કરાયા હોવાનું ડીડીઓ જોશીએ જણાવ્યું હતું. ભુજ તાલુકામાં ચાર વર્ષમાં માત્ર બે જ તળાવો બનાવવાના મુદ્દે કોંગ્રેસી સભ્ય હરિભાઈ આહિરે જવાબ માંગતા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર માથુર અટવાયા હતા. પણ, ડીડીઓએ ૮૩ તળાવ સુધારણાના કામો તેમ જ અન્ય યોજના નીચે કામો થયા હોવાનું જણાવ્યું હતું પણ તે વિશે વધુ માહિતીના મુદ્દે તેઓ પણ અટવાયા હતા. કચ્છમાં હાહાકાર મચાવનાર ડેંગ્યુના પ્રશ્નના જવાબમાં શાસક પક્ષ ભાજપ અટવાયો હતો. સત્તવાર રીતે ડેંગ્યુથી માત્ર એક જ મોત થયું હોવાની જાણકારી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નર બરાબરના સલવાયા હતા અને કબુલ્યું હતું કે ૨૨ મોત શંકાસ્પદ છે તેમ જ ૩૭૫૨ દર્દીઓ નોંધાયા હતા. જોકે, આ આંકડાઓ સરકારી પરીક્ષણ કરતાં અલગ છે એવો ખુલાસો કરાયો હતો. વિપક્ષી નેતા વી.કે. હુંબલે આક્રમક સુરે ૭૦ થીયે વધુ મોત નિપજયા હોવાનું જણાવી સાચા આંકડા છુપાવવા મુદ્દે પ્રહારો કર્યા હતા. સરકાર દ્વારા બનતા આરોગ્યના સબ સેન્ટરોના અધૂરા કામો તેમ જ સરકારી પીયૂસી એજન્સી દ્વારા દાદ નહીં આપવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો કોંગ્રેસે કરી હતી. જોકે, આરોગ્ય સમિતિના સભ્ય નવીન જરૂએ બચાવ તો કર્યો પણ એ બચાવ ગોળગોળ રહ્યો. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યામાં ૨૭૪ થીયે વધુ શાળાઓ બંધ કરવાના મુદ્દે પ્રશ્નોતરી કરવાની મંજૂરી વિપક્ષ કોંગ્રેસે સમય માંગ્યો હતો. પણ, તે ચર્ચાની મંજૂરી નહીં અપાતાં સામાન્ય સભામાં બન્ને રાજકીય પક્ષો વચ્ચે જામી પડી હતી. કોંગ્રેસના સભ્ય કિશોરસિંહ જાડેજાએ આંગણવાડી તેમ જ અન્ય કામોના જવાબોમાં સભ્યોને અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરાતાં હોવાની રજુઆતમાં અધિકારીઓ અટવાયા હતા. ખુદ ડીડીઓએ ગેરમાર્ગે દોરનાર કર્મચારીઓ સામે પગલાં ભરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ૮૦૦ જગ્યાઓ ખાલી હોવાનો મુદ્દો અને બાળકોનું શિક્ષણ અટવાતું હોવાનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હતો. ગ્રામ પંચાયતના સરપંચો તેમ જ પદાધિકારીઓ, કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે ડીડીઓ પ્રભવ જોશી મનમાની કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. કારોબારી સમિતિના હિસાબો દોઢ દોઢ વર્ષ સુધી રજૂ ન કરાતાં હોવાના પ્રશ્ને શાસક પક્ષ ભાજપ સામે આક્ષેપો કરાયા હતા. લક્ષમણસિંહ સોઢાના અધ્યક્ષ પદે યોજાયેલી આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ નિયતીબેન પોકાર અને સભ્ય સચિવ તરીકે પ્રભવ જોશી ઉપસ્થિત રહ્યા હતા.